Home Gujarat A Youth Died After Falling Into An Open Sewer Manhole In Vadodara

કોર્પોરેશનની બેદરકારીથી યુવાનનો ભોગ લેવાયો : વડોદરામાં ખુલ્લી ગટરના મેનહોલમાં પડી જતા નિવૃત્ત DYSPના પુત્રનું મોત:લોકોમાં ભારે રોષ

કોર્પોરેશનની બેદરકારીથી યુવાનનો ભોગ લેવાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 08:24 AM IST

વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. માંજલપુર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નજીક ખુલ્લા ડ્રેનેજ મેનહોલમાં પડી જતા નિવૃત્ત DYSPના પુત્રનું મોત નિપજ્યું છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી સાથે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

અંધારાને કારણે ખુલ્લો મેનહોલ ન દેખાયો

મૃતક યુવકનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે. વિપુલસિંહ રાત્રિના સમયે રોજની જેમ ચાલતા ચાલતા ઘરે પરત ફરી રહ્યો હતો. અંધારું અને કોઈપણ પ્રકારની ચેતવણી કે સુરક્ષા વ્યવસ્થા વગર ખુલ્લું મુકાયેલું ડ્રેનેજ મેનહોલ તેને નજરે ન પડ્યું અને અચાનક તે તેમાં પડી ગયો. ભારે ઇજાઓ અને ગૂંગળામણના કારણે સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હોવાની માહિતી મળી છે.

ફાયર બ્રિગેડના જવાનોએ જોખમી મેનહોલમાં ઉતરી મૃતદેહ કાઢ્યો

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકત્ર થયા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ જોખમભરી રીતે મેનહોલમાં ઉતરીને વિપુલસિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિપુલસિંહ ઝાલાના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માતા-પિતા તથા પરિવારજનોનો આક્રંદનાં દ્રશ્ય જોઈ હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. નોંધનીય છે કે વિપુલસિંહ નિવૃત્ત DYSPનો પુત્ર હોવાથી આ ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે.

અનેક વાર રજૂઆત છતાં કોર્પોરેશન દ્વારા કોઈજ પગલાં ન લેવાયા

સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં અનેક જગ્યાએ ડ્રેનેજ મેનહોલ ખુલ્લા છે અને અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. લોકોનો આરોપ છે કે જો સમયસર યોગ્ય ઢાંકણા લગાવ્યા હોત અને સલામતીના પગલાં લીધા હોત તો આજે એક યુવાનનો જીવ બચી શક્યો હોત.

જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ

ઘટનાને પગલે મહાનગરપાલિકાની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. લોકોનું કહેવું છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક તમામ ખુલ્લા મેનહોલ બંધ કરવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now