Dahod Liquor Smuggling: દાહોદ જિલ્લામાં દારૂ સ્મગ્લિંગ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નિયમિત વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂના વિશાળ જથ્થાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખાંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસે શંકાસ્પદ આઇસર ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેમાં ચોરખાનું બનાવી દારૂ લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહીથી દારૂ સ્મગ્લરોમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કતવારા પોલીસ સ્ટાફ ખાંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી ગુજરાત તરફ જઈ રહેલો એક આઇસર ટેમ્પો શંકાસ્પદ લાગતાં તેને રોકવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટેમ્પો સામાન્ય માલ વાહન તરીકે દેખાતો હતો, પરંતુ પોલીસને તેના બાંધકામમાં અસામાન્ય ફેરફારની શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

ચોરખાનું બનાવી છુપાવવામાં આવ્યો હતો દારૂ
પોલીસે ટેમ્પોની બારીકીથી તપાસ કરતાં તેના તળિયા અને સાઇડ પેનલમાં ખાસ રીતે તૈયાર કરાયેલ ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાં વિદેશી દારૂની મોટી સંખ્યામાં બોટલો છુપાવવામાં આવી હતી. દારૂ સ્મગ્લિંગ માટે આ પ્રકારની નવી યુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે કુલ રૂ. 38 લાખ 24 હજાર કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આ વિદેશી દારૂ મધ્યપ્રદેશમાંથી લાવી ગુજરાતના ભાવનગર જિલ્લામાં પહોંચાડવાનો હતો. દારૂ પ્રતિબંધિત રાજ્યમાં આ રીતે ચોરખાણાં બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે.

પોલીસે ઘટનાસ્થળેથી આઇસર ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂ મધ્યપ્રદેશથી લાવી ભાવનગર પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારૂ, ટેમ્પો સહિત કુલ રૂ. 53 લાખ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં પોલીસ અધિકારી જણાવ્યું હતું કે આ કેસમાં અન્ય સંડોવાયેલા તત્વોની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂ ક્યાંથી લોડ થયો, કોને સપ્લાય થવાનો હતો અને પાછળ કઈ ગેંગ કાર્યરત છે તે અંગે માહિતી મેળવવા પ્રયાસો ચાલુ છે. દારૂ સ્મગ્લિંગ સામે જિલ્લામાં આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.






