Home Gujarat A Huge Electricity Theft Scam In Dahod That Has The System In A State Of Shock

દાહોદમાં તંત્ર ચોકી જાય તેવું વીજ ચોરીનું મહાકૌભાંડ : 1,609 મીટરોના સીલ તૂટેલા, 14.76 કરોડનું નુકસાન બહાર આવ્યું, ગજબની મોડસ ઓપરેન્ડી!

દાહોદમાં તંત્ર ચોકી જાય તેવું વીજ ચોરીનું મહાકૌભાંડ
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 03:09 PM IST

દાહોદ જિલ્લામાં વીજ મીટરોમાં ગેરકાયદેસર ચેડાં કરી કરોડો રૂપિયાની વીજ ચોરી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મહાકૌભાંડ સામે આવ્યો છે. વીજ મીટરના સીલ તોડી તેમાં ટેક્નિકલ ફેરફાર કરીને વીજ વપરાશ ઓછો દર્શાવાતો હતો. આ સમગ્ર કૌભાંડમાં વીજ કંપનીના કેટલાક કર્મચારીઓ અને ખાનગી એજન્સીના અધિકારીઓ સંડોવાયેલા હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે.

દાહોદ જિલ્લામાં કરોડોની વીજ ચોરીનો મહાકૌભાંડ

MGVCLને દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ, લીંમડી, લીમખેડા અને દેવગઢ બારીયા વિસ્તારોમાં સતત વીજ વપરાશ ઓછો દર્શાવવાની ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદો અને બાતમીના આધારે વીજ કંપની દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન વ્યાપક તપાસ અને રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 18 ઓગસ્ટ 2025થી 18 નવેમ્બર 2025 દરમિયાન કુલ 33,799 વીજ મીટરોની તપાસ કરવામાં આવી હતી.

1,609 મીટરોના સીલ તૂટેલા હોવાનું સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું

આ તપાસ દરમિયાન 1,609 મીટરોના સીલ તૂટેલા હોવાનું સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. શંકાસ્પદ મીટરોને સીલબંધ કરી MGVCL દાહોદ ડિવિઝનની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરી રિપોર્ટ મુજબ 888 મીટરોમાં વીજ અવરોધક ઉપકરણ એટલે કે રેઝિસ્ટર લગાવવામાં આવ્યું હતું, જેના કારણે જાણબૂઝીને વીજ વપરાશ ઓછો દર્શાવવામાં આવતો હતો. GERC દ્વારા નક્કી કરાયેલા ALHAF ફોર્મ્યુલા મુજબ કરાયેલી ગણતરી પ્રમાણે માત્ર આ મીટરોના કારણે જ અંદાજે 10.71 કરોડ રૂપિયાની વીજ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયામાં પણ ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઇન્ટેલિસ્માર્ટ એજન્સી દ્વારા બદલવામાં આવેલા 81 મીટરોમાંથી 50 મીટરોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 38 મીટરોમાં પણ રેઝિસ્ટર લગાવી વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. આ કારણે અંદાજે 4.048 કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક નુકસાન થયું છે.

14.76 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અધિકૃત રીતે નોંધાયું

આ તમામ ગેરરીતિઓના પરિણામે MGVCLને કુલ 14.76 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અધિકૃત રીતે નોંધાયું છે. DYSP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના મીટરોમાં એકસરખી મોડસ ઓપરેન્ડી જોવા મળવી એ સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કૌભાંડ તરફ ઈશારો કરે છે. વીજ કંપની દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now