Home Gujarat A Fight Between Two Bulls In Veraval

વેરાવળમાં આખલાઓનું યુદ્ધ! : 15 મિનિટ મચી અફરાતફરી, લોકોમાં ભય

વેરાવળમાં આખલાઓનું યુદ્ધ!
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 03:18 PM IST

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ–સોમનાથ જોડિયા નગરમાં રખડતા આખલાઓનો આતંક જોવા મળ્યો છે. જેના પગલે નાગરિકોની સલામતી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વેરાવળના વ્યસ્ત જૈન દેરાસર ચોક ખાતે બે આખલાઓ વચ્ચે ઉગ્ર યુદ્ધ થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આખલાઓ જાહેરમાં આતંક મચાવતા ચોકમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી.

આખલાઓનું યુદ્ધ!

પ્રાપ્ત માહિતી મુજબ, જૈન દેરાસર ચોકમાં અચાનક આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જે લગભગ 15 મિનિટ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન ટ્રાફિકથી ધમધમતો ચોક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. વાહનચાલકો અને પગપાળા લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા અહીં-ત્યાં દોડતા જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ મોટી દુર્ઘટના થવાની પૂરી શક્યતા હતી.

પાલિકાની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ!

પરિસ્થિતિ બેકાબૂ બનતા સ્થાનિક વેપારીઓએ આગળ આવી પાણીનો મારો ચલાવી આખલાઓને છુટા પાડ્યા હતા, ત્યારબાદ સ્થિતિ થોડી શાંત બની હતી. જોકે, આ ઘટનાએ નગરપાલિકાની બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરી છે. નાગરિકોનો આક્ષેપ છે કે વેરાવળ–સોમનાથ વિસ્તારમાં રખડતા પશુઓનો ઉપદ્રવ લાંબા સમયથી ચાલી રહ્યો છે, છતાં નગરપાલિકા માત્ર દેખાડાપૂરી કાર્યવાહી કરી રહી છે.

લોકોમાં ભારે આક્રોશ

સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રોજબરોજ આવા બનાવોથી અકસ્માતનો ખતરો વધી રહ્યો છે, પરંતુ જવાબદાર તંત્ર તરફથી કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. નાગરિકોએ રખડતા પશુઓ સામે કાયમી અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now