Home Gujarat 40 Tiger Skins 133 Nails Found In Rajpipla

રાજપીપળામાં 40 વાઘના ચામડાં અને 133 નખ મળ્યા! : ખરાઈ માટે FSL મોકલાયા, ગુજરાતમાં સંભવત પ્રથમવાર ઘટના

રાજપીપળામાં 40 વાઘના ચામડાં અને 133 નખ મળ્યા!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 02:19 PM IST

Rajpipla Tiger Remains : રાજપીપળામાં વાઘના શિકારના એક મોટા રેકેટનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. શહેરના ધર્મેશ્વર મહાદેવ મંદિરના રીનોવેશન દરમિયાન મંદિર પરિસરમાં આવેલા એક જૂના મકાનમાંથી કુલ 40 વાઘના ચામડાં અને 133 વાઘના નખ મળી આવ્યા છે. જેમાંથી 37 આખા વાઘના ચામડા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં સંભવતઃ આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવ્યા હોવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી મળી આવી!

મળતી માહિતી મુજબ ધર્મેશ્વર મહાદેવ મંદિરના રીનોવેશન સમયે સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. દુર્ગંધને લઈને મંદિરના ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ રાજપીપળા રેન્જના ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી. આ રૂમ મંદિરના પૂજારી મહારાજનો હોવાનું સામે આવ્યું છે, જેનું ત્રણ મહિના પહેલા જ અવસાન થયું હતું.

35 વર્ષ કે તેથી વધુ જૂના હોવાનું અંદાજ!

પ્રાપ્ત થયેલા વાઘના ચામડાં અને નખ આશરે 35 વર્ષ કે તેથી વધુ જૂના હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેની અસલિયત અને સમયગાળો જાણવા માટે તમામ સામગ્રી FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવામાં આવી છે. નર્મદા જિલ્લા વન વિભાગે આ ગંભીર મામલે રાજ્ય સરકારને પણ જાણ કરી છે. જો તપાસમાં ચામડાં અને નખ અસલી સાબિત થશે તો મોટી કાર્યવાહી થવાની શક્યતા છે.

સ્વર્ગસ્થ મહારાજ મધ્યપ્રદેશના હતા અને તેમના રૂમમાંથી આ મળ્યું!

મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ મહારાજ મધ્યપ્રદેશના હતા અને તેમના રૂમમાં બહારથી અન્ય સાધુઓની અવર-જવર રહેતી હતી. કેટલાક સાધુઓ રાત્રી રોકાણ પણ કરતા હતા. હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલી મોટી સંખ્યામાં વાઘના ચામડા અને નખ મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું. મહંત સાથે રૂમમાં કોણ રહેતું હતું અને આ અવશેષો ક્યાંથી આવ્યા તે બાબતે વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now