Mastek Ltd News Updates: સ્ટોક માર્કેટમાં ડિવિડેન્ડ પ્રેમી રોકાણકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આઈટી (IT) સેક્ટરની જાણીતી મિડકેપ કંપની માસ્ટેક લિમિટેડ (Mastek Ltd) એ ફરી એકવાર પોતાના શેરધારકોને માલામાલ કરવા માટે મોટું એલાન કર્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે તોતિંગ ડિવિડેન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કંપનીએ 320% ડિવિડેન્ડ જાહેર કર્યું છે, જેની સીધી સકારાત્મક અસર રોકાણકારોના પોર્ટફોલિયો પર જોવા મળશે.
320% ડિવિડેન્ડનું ગણિત
ઘણીવાર નવા રોકાણકારો ટકાવારી જોઈને મૂંઝવણમાં મુકાતા હોય છે. માસ્ટેક લિમિટેડ દ્વારા જાહેર કરાયેલ 320% ડિવિડેન્ડનો અર્થ એ છે કે આ ગણતરી શેરની ફેસ વેલ્યૂ (Face Value) પર કરવામાં આવે છે. માસ્ટેકના એક શેરની ફેસ વેલ્યૂ ₹5 છે. આથી, ₹5 ના 320% એટલે કે દરેક શેર દીઠ ₹16 નો ફાઇનલ ડિવિડેન્ડ ચૂકવવામાં આવશે.
35 મી વખત ડિવિડન્ડ
Mastek Ltd નો ઇતિહાસ જોતા જણાય છે કે તે તેના રોકાણકારોને ક્યારેય નિરાશ કરતી નથી. કંપની વર્ષ 2001થી સતત ડિવિડન્ડ ચૂકવતી આવી છે. અત્યાર સુધીમાં કંપનીએ કુલ 35 વખત ડિવિડેન્ડની જાહેરાત કરી છે. 2001માં કંપનીએ માત્ર ₹2 પ્રતિ શેરથી શરૂઆત કરી હતી, જે આજે વધીને ₹16 સુધી પહોંચી છે. આ સાબિત કરે છે કે કંપનીની કેશ રિઝર્વ સ્થિતિ મજબૂત છે અને તે તેના નફામાં રોકાણકારોને ભાગીદાર બનાવવામાં માને છે.
પ્રોફિટમાં 30% નો ઉછાળો
માત્ર ડિવિડેન્ડ જ નહીં, પણ કંપનીના ત્રિમાસિક પરિણામો (Q4 FY26) પણ પ્રોત્સાહક રહ્યા છે. માસ્ટેક લિમિટેડનો ચોખ્ખો નફો (Net Profit) વાર્ષિક ધોરણે 30% વધીને ₹106.2 કરોડ પર પહોંચ્યો છે. કંપનીની આવક (Revenue) પણ 3.6% ના વધારા સાથે ₹938 કરોડ નોંધાઈ છે. કંપનીના EBITDA માર્જિન 16.1% રહ્યા છે, જે આઈટી સેક્ટરમાં મધ્યમ કદની કંપની માટે સારા ગણાય.
કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, બ્રિટન (UK) ના માર્કેટમાં મજબૂત પકડ અને હેલ્થકેર સેક્ટરમાંથી મળેલા નવા ઓર્ડર્સને કારણે આ વૃદ્ધિ શક્ય બની છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કંપની જે નવા કરારો કરી રહી છે, તે આવનારા સમયમાં આવકનો મોટો સ્ત્રોત બનશે.





