Home Gujarat 3 Crore Cumin Theft Exposed In Unjha

ઊંઝામાં ૩ કરોડના જીરાની મહાચોરીનો પર્દાફાશ : હાઈકોર્ટના વકીલ સહિતની ગેંગ ઝડપાઈ, 5 શખ્સોની ધરપકડ

ઊંઝામાં ૩ કરોડના જીરાની મહાચોરીનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 11:14 AM IST

ઉત્તર ગુજરાતની મસાલા સીટી તરીકે ઓળખાતા ઊંઝામાંથી કરોડોની જીરાની મહાચોરીનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં થયેલી આ ચકચારી ઘટનામાં કુલ રૂ. 3.02 કરોડની કિંમતના જીરાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ચોરી કરનારી ગેંગમાં અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતો એક વકીલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાઈકોર્ટના વકીલ સહિત કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં રૂ. 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાત્રિના સમયે ચોરી કરી હતી

આ ઘટના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા વિસ્તારમાં આવેલી ડીસન્ટ હોટલની પાછળ આવેલા ખોડીયાર એસ્ટેટની છે. અહીં વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના ગોડાઉન આવેલાં છે. ગત 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ આ ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે ટ્રક મારફતે વેરહાઉસ નંબર 13, 14 અને 15ના તાળા તોડી હજારો જીરાની બોરીઓ ચોરી કરવામાં આવી હતી. કુલ ચોરીની કિંમત રૂ. 3 કરોડ 2 લાખ 28 હજાર હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ટ્રક નંબર, ટાવર લોકેશન અને કોલ ડિટેઇલ આધારે તપાસ હાથ ધરાઈ

મહેસાણા એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રક નજરે પડ્યો હતો. ટ્રકના નંબરના આધારે ડ્રાઈવર સુધી પહોંચીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. મોબાઈલ ટાવર લોકેશન અને કોલ ડિટેઇલ રેકોર્ડની તપાસમાં વજાહત ખાન નામનો આરોપી ચોરીની રાત્રે ઘટનાસ્થળે હાજર હોવાનું બહાર આવ્યું, જેના આધારે સમગ્ર ગેંગ સુધી પહોંચવું શક્ય બન્યું.

પાંચ આરોપીઓ ઝડપાયા

પોલીસે આ કેસમાં કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. મુખ્ય આરોપીઓમાં મેમણ મહંમદ ઈક્રામનો સમાવેશ થાય છે, જેણે LL.B.નો અભ્યાસ કર્યો છે અને અમદાવાદ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. ચોંકાવનારી વાત એ છે કે આ વકીલ સામે અગાઉ વડોદરામાં અપહરણનો ગુનો નોંધાયેલો છે. જ્યારે અન્ય આરોપી સાદીક મેમણ સામે હાલોલમાં બળાત્કારનો ગુનો નોંધાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. આ ગેંગે ચોરી કરેલું કરોડો રૂપિયાનું જીરું ડીસા અને ઊંઝાની ગંજ બજારમાં વેચી નાખ્યું હતું. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી રૂ. 46,65,000ની રોકડ રકમ અને 110 જીરાની બોરીઓ મળી આવી છે, જે મળીને કુલ રૂ. 58 લાખથી વધુનો મુદ્દામાલ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર