વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય રાજનીતિનો આખો નકશો અને લોકસભા બેઠકોનું ગણિત બદલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે દેશમાં મતવિસ્તારોના નવા છેડેથી નિર્ધારણ એટલે કે સીમાંકન (પરિસીમન)ને લઈને પોતાની કવાયત ખૂબ જ તેજ કરી દીધી છે. એનડીટીવીએ પોતાના અહેવાલમાં સરકારી સૂત્રોના હવાલાથી લખ્યું છે કે, કેન્દ્ર સરકાર આ ઐતિહાસિક અને દૂરોગામી પ્રક્રિયાને અમલમાં મૂકવા માટે 2029ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં એક નવું બિલ (વિધેયક) લાવવાની શક્યતાઓ ચકાસી રહી છે.
કેન્દ્ર સરકાર જો આ બાબતે આગળ વધશે, તો તે છેલ્લા કેટલાક દાયકાઓમાં સંસદીય મતવિસ્તારોના પુનઃનિર્ધારણનો પ્રથમ સૌથી મોટો પ્રયાસ હશે. આ સંવેદનશીલ મુદ્દા પર સરકારે કોઈ પણ પગલું ભરતા પહેલાં રાજકીય પક્ષો વચ્ચે સામાન્ય સહમતી બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે.
પ્રાદેશિક પક્ષો સાથે ચર્ચા શરૂ
સીમાંકનને લઈને દેશમાં હંમેશાં ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે વૈચારિક મતભેદો રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારના ટકરાવથી બચવા માટે પરામર્શ (ચર્ચા-વિચારણા) શરૂ કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે ડીએમકે (DMK) અને ટીએમસી (TMC) સહિતના કેટલાક મોટા પ્રાદેશિક પક્ષો સાથે વાતચીતની શરૂઆત કરી દીધી છે અને અન્ય પ્રાદેશિક પક્ષોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
હાલમાં દેશમાં લોકસભા બેઠકોની જે ફાળવણી છે, તે દાયકાઓ જૂની એટલે કે 1971ની વસ્તી ગણતરીના આંકડા પર આધારિત છે. અત્યારે લોકસભામાં 543 ચૂંટાયેલા સભ્યો છે. જો વસ્તીના નવા આંકડાના આધારે સીમાંકન થાય છે, તો રાજ્યો વચ્ચે બેઠકોનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે બદલાઈ જશે.
દક્ષિણ ભારતની ચિંતાઓને દૂર કરવાની ફોર્મ્યુલા
આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મોટો પડકાર એ રાજ્યોનો છે, જેમણે છેલ્લા દાયકાઓમાં વસ્તીવૃદ્ધિ પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવ્યું છે, ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો. આ રાજ્યોને ડર છે કે વસ્તી ઓછી હોવાને કારણે સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ અને રાજકીય પ્રભાવ ઘટી શકે છે, જ્યારે ઉત્તર ભારતના રાજ્યોની બેઠકો ઘણી વધી શકે છે.
સરકારી સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર આ ચિંતા પ્રત્યે સંપૂર્ણપણે સજાગ છે. સરકારનું મુખ્ય ધ્યાન એક એવું ‘બ્રોડ ફ્રેમવર્ક’ (વ્યાપક માળખું) અને ફોર્મ્યુલા તૈયાર કરવા પર છે, જે યોગ્ય પ્રતિનિધિત્વના સિદ્ધાંતને પણ જાળવી રાખે અને જેને તમામ રાજકીય પક્ષો કોઈ પણ વિવાદ વિના સ્વીકારી લે.





