US China Conflict: વિશ્વની બે સૌથી મોટી મહાસત્તાઓ અમેરિકા અને ચીન વચ્ચે અત્યાર સુધી ટેક્નોલોજી અને અર્થતંત્રની સ્પર્ધા જોવા મળતી હતી, પરંતુ હવે આ જંગ 'વિજ્ઞાનીઓના શિકાર' સુધી પહોંચી ગયો હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના અત્યંત સંવેદનશીલ પ્રોજેક્ટ્સ પર કામ કરતા ટોચના વૈજ્ઞાનિકો શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ રહ્યા છે અથવા તેમના રહસ્યમય રીતે મોત નીપજી રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકાના 11 અને ચીનના 9 જેટલા દિગ્ગજ વૈજ્ઞાનિકો આ લિસ્ટમાં સામેલ છે, જેને પગલે વૈશ્વિક સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ ઘટનાઓ માત્ર અકસ્માત છે કે કોઈ સુનિયોજિત આંતરરાષ્ટ્રીય ષડયંત્ર, તે અંગે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. ખાસ કરીને પરમાણુ ટેક્નોલોજી, હાઈપરસોનિક હથિયારો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સ્પેસ રિસર્ચ ક્ષેત્રના નિષ્ણાતો જ નિશાન બની રહ્યા છે. આ એવા ક્ષેત્રો છે જેમાં જે દેશ આગળ નીકળી જાય તે આવનારા દાયકાઓમાં વિશ્વ પર રાજ કરી શકે છે. આવી સ્થિતિમાં ટેક્નોલોજીની આ રેસમાં એકબીજાને પછાડવા માટે વૈજ્ઞાનિકોની કથિત 'હત્યા' કે 'અપહરણ' થઈ રહ્યા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.
અમેરિકામાં હાઈ-પ્રોફાઈલ વૈજ્ઞાનિકો ગુમ: UFO એક્સપર્ટથી લઈને NASA એન્જિનિયર સામેલ
અમેરિકામાં બનેલી ઘટનાઓ કોઈ હોલીવુડ ફિલ્મની પટકથા જેવી લાગે છે. ફેબ્રુઆરી 2026માં મેજર જનરલ વિલિયમ નીલ મેકકેસલેન્ડ રહસ્યમય રીતે ગુમ થયા હતા. તેઓ માત્ર એક લશ્કરી અધિકારી જ નહીં, પરંતુ UFO (Unidentified Flying Objects) ની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેઓ માત્ર વોક પર નીકળ્યા અને પછી ક્યારેય પાછા ન ફર્યા. આવી જ રીતે NASAના એરોસ્પેસ એન્જિનિયર મોનિકા રેઝા ટ્રેકિંગ દરમિયાન ગાયબ થઈ ગયા અને ન્યુક્લિયર પ્રોપલ્શન પર કામ કરતા જોશુઆ લે બ્લેન્કનું તેમની ટેસ્લા કારમાં રહસ્યમય આગને કારણે મોત થયું. આ તમામ કિસ્સામાં એક વિચિત્ર સમાનતા જોવા મળી છે - તમામ વૈજ્ઞાનિકો પોતાનો ફોન, વોલેટ અને જરૂરિયાતની અંગત ચીજો ઘરે જ મૂકીને નીકળ્યા હતા.
ચીનમાં પણ સ્થિતિ ચિંતાજનક: AI અને માઇક્રોઇલેક્ટ્રોનિક્સ નિષ્ણાતોના મોત
બીજી તરફ ચીનમાં પણ ટેક્નોલોજીના માંધાતાઓ શંકાસ્પદ રીતે જીવ ગુમાવી રહ્યા છે. બેઇજિંગમાં AI સિમ્યુલેશન પર કામ કરતા માત્ર 38 વર્ષના તેજસ્વી પ્રોફેસર ફેંગ યાંગહેનું કાર અકસ્માતમાં મોત થયું હતું. આ ઉપરાંત ચીની સ્પેસ પ્રોગ્રામ અને કેમિસ્ટ્રી સેક્ટરના એક્સપર્ટ્સ પણ અચાનક બીમારી કે વિચિત્ર અકસ્માતોમાં મૃત્યુ પામ્યા છે. ચીની સરકાર આ ઘટનાઓને 'સરકારી ડ્યુટી પર બલિદાન' ગણાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સત્ય કંઈક અલગ હોવાની શંકા નિષ્ણાતોને છે.
FBI ની તપાસ તેજ: શું આ 'વૈજ્ઞાનિક યુદ્ધ' છે?
ઘટનાની ગંભીરતાને જોતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને તપાસનો દોર FBI ને સોંપ્યો છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે દુશ્મન દેશો હવે હથિયારોને બદલે 'મગજ' (Brain Power) ને ખતમ કરવાની નીતિ પર ઉતરી આવ્યા છે. જો કોઈ દેશના ટોચના વૈજ્ઞાનિકો જ નહીં રહે, તો તે દેશની સંરક્ષણ પ્રણાલી અને નવી ટેક્નોલોજીનું સંશોધન વર્ષો પાછળ ધકેલાઈ જશે. હાલમાં સમગ્ર વિશ્વમાં આ 'સાયન્ટિસ્ટ હંટીંગ' ને લઈને ભયનો માહોલ છે.





