આજે 20 ફેબ્રુઆરી છે. ઇતિહાસના પાનાઓ તપાસીએ તો આજનો દિવસ ભારત માટે ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનો છે. આજના દિવસે જ પૂર્વોત્તર ભારતના બે મહત્વના રાજ્યો અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની સ્થાપના થઈ હતી. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે સામાજિક સમાનતાનો સંદેશ આપતો ‘વિશ્વ સામાજિક ન્યાય દિવસ’ પણ આજે મનાવવામાં આવી રહ્યો છે. ભારતની શાંતિ પ્રક્રિયામાં માઈલસ્ટોન ગણાતી વાજપેયીજીની પાકિસ્તાન બસ યાત્રાની યાદો પણ આ તારીખ સાથે જોડાયેલી છે.
અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિન
વર્ષ 1987માં આજના દિવસે ભારત સરકાર દ્વારા પૂર્વોત્તરના બે કેન્દ્રશાસિત પ્રદેશોને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. મિઝોરમ ભારતનું 23મું અને અરુણાચલ પ્રદેશ 24મું રાજ્ય બન્યું હતું. આ બંને રાજ્યો પોતાની સાંસ્કૃતિક વિવિધતા અને કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં જાણીતા છે.
ઐતિહાસિક બસ યાત્રા અને ટેકનોલોજીની શરૂઆત
વર્ષ 1999માં આજના દિવસે ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા માટે ઐતિહાસિક ‘દિલ્હી-લાહોર બસ યાત્રા’ કરી હતી. આ સિવાય ટેકનોલોજી અને મનોરંજનના ક્ષેત્રમાં પણ આજનો દિવસ ખાસ છે, કારણ કે 1999માં જ દૂરદર્શન પર ભારતની પ્રથમ સ્પોર્ટ્સ ચેનલની સત્તાવાર શરૂઆત થઈ હતી.
ઇતિહાસની અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ પર એક નજર:
1835: કલકત્તા મેડિકલ કોલેજની સત્તાવાર શરૂઆત થઈ, જે તબીબી શિક્ષણ માટે મોટું કદમ હતું.
1846: બ્રિટિશ સૈન્યએ લાહોર પર પોતાનો કબજો જમાવ્યો હતો.
1947: બ્રિટિશ પીએમ ક્લેમેન્ટ એટલીએ ભારતને સ્વતંત્રતા આપવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી.
1968: મુંબઈની K.E.M. હોસ્પિટલના ડોક્ટર પી.કે. સેને ભારતમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
1976: મુંબઈ હાઈ ખાતે ક્રૂડ ઓઈલનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું.
2007: યુરોપિયન સંઘે પર્યાવરણની જાળવણી માટે કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં 20% ઘટાડો કરવા પર સહમતિ દર્શાવી હતી.
આજના દિવસે જન્મેલી અને અવસાન પામેલી વિભૂતિઓ
આજના દિવસે હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર અનુ કપૂર (1945) અને મધ્ય પ્રદેશના નેતા જયંત કુમાર મલૈયા (1947)નો જન્મ થયો હતો. જ્યારે વર્ષ 1707માં મુઘલ શાસક ઔરંગઝેબ અને 1950માં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા શરત ચંદ્ર બોઝનું નિધન થયું હતું. પ્રખ્યાત કવિ ભવાની પ્રસાદ મિશ્રાએ પણ 1985માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા.




















