Swim Place Building Terrace Case : સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 17 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફાયર વિભાગના જવાનોની સમયસરની કાર્યવાહીથી તેનું જીવન બચી ગયું. આ ઘટના અલથાણ વિસ્તારમાં આવેલા સ્વિમ પ્લેસ બિલ્ડિંગના ટેરેસ પર બની હતી, જ્યાં યુવતી ટેરેસ પર ચઢી જતા પરિવારજનો અને આજુબાજુના લોકોમાં ભારે કુતુહલ અને ચિંતા ફેલાઈ ગઈ હતી.
11 માળેથી ક્રેનની મદદથી યુવતી સુરક્ષિત રીતે બચાવી લેવાઈ
યુવતી ટેરેસ પરથી નીચે કૂદવાનો પ્રયાસ કરતી હોવાનું જોઈ લોકો દ્વારા તેને સમજાવવા અને બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે નીચે ઉતરવા તૈયાર ન હતી. અંતે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી 11 માળેથી ક્રેનની મદદથી યુવતીને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવી હતી.
ફાયર વિભાગની સરાહનીય કામગીરી
ફાયર વિભાગની આ ઝડપી અને સતર્ક કામગીરીને કારણે એક કિશોરીનું અમૂલ્ય જીવન બચી ગયું છે. ઘટનાપછી યુવતીને પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી, જ્યારે સમગ્ર વિસ્તારમાં રાહત અને શાંતિનો માહોલ સર્જાયો હતો.






