Home International 1000 Year Old Statues From The Chola Period Will Return From America Know How Our Priceless Treasure Reached Abroad

ભારતની વિરાસત પરત આવશે : અમેરિકાથી પરત આવશે ચોલકાળની 1000 વર્ષ જૂની મૂર્તિઓ, જાણો કઈ રીતે વિદેશ પહોંચ્યો આપણો અમૂલ્ય ખજાનો

ભારતની વિરાસત પરત આવશે
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 09:18 AM IST

ભારત માટે ગૌરવ લેવા જેવા સમાચાર અમેરિકાથી આવ્યા છે. વોશિંગ્ટન સ્થિત પ્રતિષ્ઠિત સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઓફ એશિયન આર્ટે ભારતની ત્રણ પ્રાચીન અને ઐતિહાસિક કાંસાની મૂર્તિઓ પરત આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ મૂર્તિઓમાં 10મી સદીની શિવ નટરાજ, 12મી સદીની સોમસ્કંદ અને 16મી સદીની સંત સુંદરરની મૂર્તિઓ સામેલ છે. વર્ષોની તપાસ બાદ એ સાબિત થયું છે કે આ અમૂલ્ય કલાકૃતિઓ તમિલનાડુના મંદિરોમાંથી ગેરકાયદેસર રીતે ચોરી કરીને વિદેશ મોકલવામાં આવી હતી. આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરે સાંસ્કૃતિક ચોરી વિરુદ્ધ ભારતની એક મોટી નૈતિક અને કૂટનીતિક જીત તરીકે જોવામાં આવી રહી છે.

કેવી રીતે ખુલી ચોરીની પોલ?

મ્યૂઝિયમના સંશોધકોએ 1950ના દાયકાના રેકોર્ડ્સ અને જૂના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસમાં 'ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોંડિચેરી'ના આર્કાઇવ્સમાંથી મળેલા ફોટોગ્રાફ્સ સૌથી મહત્વના પુરાવા સાબિત થયા. આ ફોટાઓ સ્પષ્ટ કરે છે કે 1956 થી 1959 દરમિયાન આ મૂર્તિઓ તમિલનાડુના તિરુથુરાઇપુંડી અને અલાત્તુર જેવા મંદિરોમાં સ્થાપિત હતી. કોઈપણ કાયદેસરની પરવાનગી વગર આ મૂર્તિઓને ગેરકાયદેસર રીતે ખસેડવામાં આવી હતી.

નકલી દસ્તાવેજો અને આંતરરાષ્ટ્રીય દાણચોરીનું નેટવર્ક

તપાસમાં બહાર આવ્યું છે કે 2002માં સંગ્રહાલયે 'શિવ નટરાજ'ની પ્રતિમા ન્યૂયોર્કની ડોરિસ વેઇનર ગેલેરી પાસેથી ખરીદી હતી. આ ગેલેરીએ ભારતના પ્રાચીન વસ્તુઓ કાયદાની જટિલતાઓથી બચવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રતિમા 1972માં ખરીદવામાં આવી હતી. જોકે, ઇન્ડિયા પ્રાઇડ પ્રોજેક્ટના સંશોધને આ દાવાને ખોટો પાડી દીધો અને સાબિત કર્યું કે આ કિંમતી ખજાનો આંતરરાષ્ટ્રીય સ્તરના દાણચોરો દ્વારા ભારતની બહાર લઈ જવામાં આવ્યો હતો.

લોન પ્રસ્તાવ અને માલિકી હક પર વિવાદ

સ્મિથસોનિયન મ્યુઝિયમે શિવ નટરાજની પ્રતિમાને હાલ પૂરતી વોશિંગ્ટનમાં "લાંબા ગાળાની લોન" તરીકે પ્રદર્શિત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, આ બાબતે વિવાદ સર્જાયો છે. 'ઇન્ડિયા પ્રાઇડ પ્રોજેક્ટ'ના વિજય કુમારનું કહેવું છે કે આ મૂર્તિઓ કોઈ સરકારી મિલકત નથી, પણ મંદિરોની ખાનગી મિલકત છે. તેથી, સરકાર તેને વિદેશી મ્યૂઝિયમમાં લોન પર રાખવાની મંજૂરી આપી શકે નહીં. તમિલનાડુનું મંદિર પોતાની આ પૂજનીય મૂર્તિને વહેલી તકે પરત લેવા માટે તૈયાર છે.

મૂર્તિઓ પરત લાવવાની પ્રક્રિયા શરૂ

મ્યૂઝિયમ દ્વારા સોમસ્કંદ અને સુંદરરની મૂર્તિઓ ટૂંક સમયમાં વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસને સોંપવામાં આવશે. ત્યાંથી આ મૂર્તિઓને માન-સન્માન સાથે તમિલનાડુ લાવવામાં આવશે. નટરાજની પ્રતિમા હાલ ગેલેરીમાં રહેશે, પરંતુ તેની સાથે તેની ચોરી અને પરત ફરવાની સમગ્ર પારદર્શક કહાની પ્રદર્શિત કરવામાં આવશે. આ પગલું વિશ્વભરના અન્ય મ્યૂઝિયમો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડશે કે ગેરકાયદે રીતે મેળવેલી સાંસ્કૃતિક સંપત્તિ તેના મૂળ દેશને પરત કરવી જ જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now