કેનેડાના શાંત ગણાતા બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ઉત્તર-પૂર્વીય પ્રાંતના ટમ્બલર રિજ (Tumbler Ridge) ટાઉનમાં આવેલી એક હાઈસ્કૂલમાં મંગળવારે બપોરે થયેલા ગોળીબારમાં હુમલાખોર સહિત કુલ 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ હિંસક ઘટનામાં 25 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
![]()

ઘટનાની વિગત
મંગળવાર, 10 February 2026 ના રોજ બપોરે આશરે 1:20 વાગ્યે, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ને ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં 'એક્ટિવ શૂટર' હોવાની જાણકારી મળી હતી. જે સમયે આ ઘટના બની ત્યારે સ્કૂલમાં અંદાજે 175 વિદ્યાર્થીઓ હાજર હતા. હુમલાખોરે અચાનક ફાયરિંગ શરૂ કરી દેતા સ્કૂલ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી.
મૃતકો અને ઘાયલોના આંકડા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે:
6 લોકોના મૃતદેહ હાઈસ્કૂલની અંદરથી મળી આવ્યા હતા.
1 વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું.
2 અન્ય મૃતદેહો સ્કૂલની નજીકના એક રહેણાંક વિસ્તારમાંથી મળી આવ્યા છે, જેનો સંબંધ પણ આ ઘટના સાથે હોવાનું મનાય છે.
1 હુમલાખોર (શંકાસ્પદ) ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેણે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
આ ઉપરાંત, ઓછામાં ઓછા 25 થી 27 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની મેડિકલ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયા છે.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ પોલીસે સમગ્ર વિસ્તારમાં 'ઇમરજન્સી એલર્ટ' જાહેર કર્યું હતું અને લોકોને ઘરની અંદર જ રહેવા તેમજ દરવાજા લોક રાખવા સૂચના આપી હતી. આસપાસની અન્ય શાળાઓને પણ સાવચેતીના ભાગરૂપે લોકડાઉન કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસને કોઈ બીજા હુમલાખોરની પણ શંકા હતી, પરંતુ તપાસ બાદ પુષ્ટિ કરવામાં આવી કે હવે જનતા માટે કોઈ ખતરો નથી.
![]()

હુમલાખોર કોણ હતું?
પ્રાથમિક અહેવાલો મુજબ, શંકાસ્પદ હુમલાખોર તરીકે એક મહિલાનું વર્ણન કરવામાં આવ્યું હતું. જોકે, હુમલાખોરનો હેતુ શું હતો અને તે શા માટે આટલી મોટી હિંસા પર ઉતરી આવી, તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે.
કેનેડાના વડાપ્રધાન અને સ્થાનિક નેતાઓએ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. કેનેડામાં આવી ગોળીબારની ઘટનાઓ અત્યંત દુર્લભ હોય છે, જેને કારણે આખા દેશમાં હાલ શોક અને ભયનો માહોલ છે.




















