logo-img
Transparent Voting Will Be Held For 62 Candidates For 31 Bca Posts In Rambagh Vadodara Through 9 Color Coded Boxes

મહાશિવરાત્રિને દિવસે જામશે ચુંટણીનો જંગ : વડોદરાના રામબાગમાં BCAના 31 હોદ્દા માટે 62 ઉમેદવારોની 9 કલર-કોડેડ બોક્સથી યોજાશે પારદર્શક મતદાન

મહાશિવરાત્રિને દિવસે જામશે ચુંટણીનો જંગ
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 08:56 AM IST

Baroda Cricket Association election 2026: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની બહુચર્ચિત ચૂંટણી મહાશિવરાત્રિના પવિત્ર દિવસે 15 ફેબ્રુઆરીએ રામબાગ ખાતે યોજાશે. કુલ 31 હોદ્દાઓ માટે 62 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીને સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

કલર-કોડેડ બેલેટ અને 9 મતપેટીઓની વ્યવસ્થા

આ વખતે ગેરસમજ ટાળવા 9 અલગ-અલગ કલરના બેલેટ પેપર અને તે મુજબની 9 મતપેટીઓનો ઉપયોગ થશે. દરેક મતદારને એકસાથે તમામ 9 બેલેટ પેપર આપવામાં આવશે અને રંગ મુજબ જ યોગ્ય મતપેટીમાં મત નાખવો ફરજિયાત રહેશે. મતદાન મથક પર નવ રંગની મતપેટીઓ ગોઠવાશે અને સ્ટાફ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. મતદારોની અવરજવર સરળ બને તે માટે ચાર અલગ ટેબલની વ્યવસ્થા કરાઈ છે. મતદાન પ્રક્રિયામાં એક મતદારને 10થી 12 મિનિટનો સમય લાગી શકે છે.

સુરક્ષા અને પારદર્શિતા માટે વિશેષ પગલાં

ચૂંટણી શાંતિપૂર્ણ રહે તે માટે અંદાજે 60 અનુભવી કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરાશે, જેમાં નિવૃત IAS અધિકારીઓ, યુનિવર્સિટીના નિવૃત પ્રોફેસરો અને નિવૃત નાયબ મામલતદારોનો સમાવેશ છે. ઉમેદવારોને મતદાન મથક અંદર માત્ર બે-બે પ્રતિનિધિઓ રાખવાની મંજૂરી છે, જ્યારે બિનઅધિકૃત વ્યક્તિઓ માટે સંપૂર્ણ પ્રતિબંધ છે. અંદરની પ્રક્રિયાની લાઈવ અપડેટ માટે મથકની બહાર વિશાળ સ્ક્રીન મુકાશે. મતદારો પ્રચાર સામગ્રી રાખી શકશે, પરંતુ મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

ઉમેદવારોની પાત્રતા અને ઉંમર વિવાદ

રોયલ–સત્યમેવ જયતે જૂથના ફાઇનાન્સ કમિટી ઉમેદવાર શશીકાંત પટેલની પાત્રતા અંગે ચર્ચા તેજ છે. તેઓ હાલ 69 વર્ષ અને 7 મહિનાના છે અને ચાર મહિનામાં 70 વર્ષના થશે. BCA બંધારણ મુજબ ઉમેદવારની ઉંમર 70 વર્ષથી ઓછી હોવી જરૂરી છે અને કોઈ રાજકીય પક્ષ સાથે સક્રિય જોડાણ ન હોવું જોઈએ. આ મુદ્દે વિવાદ વચ્ચે ચૂંટણી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

રિવાઈવલ અને રોયલ–સત્યમેવ જયતે વચ્ચે કડક મુકાબલો

13 વર્ષ બાદ BCAમાં ફરી સત્તાનો જંગ જામ્યો છે. રિવાઈવલ જૂથના પ્રણવ અમીન અને કિરણ મોરે સામે રોયલ–સત્યમેવ જયતે જૂથના સમરજીતસિંહ ગાયકવાડ, ડૉ. દર્શન બૈકર અને સંજય પટેલ મેદાનમાં છે. બંને જૂથો વચ્ચે છેલ્લી ઘડીએ તીવ્ર પ્રચાર અને આક્ષેપો ચાલુ છે. ક્રિકેટપ્રેમીઓ આ ચૂંટણીને વડોદરા ક્રિકેટના ભવિષ્ય સાથે જોડીને જોઈ રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now