Home International Thailand Cambodia War Bulldozer Demolishes 40 Foot Tall Statue Of Lord Vishnu India Condemns Incident

યુદ્ધ વચ્ચે આ દેશમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા તોડી પડાઈ : 40 ફૂટ ઊંચી મૂર્તિ પર ફેરવ્યું બુલડોઝર, ભારતે કરી ઘટનાની નિંદા

યુદ્ધ વચ્ચે આ દેશમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા તોડી પડાઈ
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 03:51 AM IST

Thailand Cambodia War: દક્ષિણ પૂર્વ એશિયામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સરહદી સંઘર્ષ વચ્ચે વિવાદિત વિસ્તારમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને બુલડોઝરથી તોડી પાડવાની ઘટનાએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી છે. આ ઘટનાને લઈને ભારતે સખત નિંદા કરી છે અને બંને દેશોને વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ કરી છે. આ સંઘર્ષમાં અત્યાર સુધી ૪૦થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ ૧૦ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.

હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડનારું કૃત્ય: ભારત

ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને 'અપમાનજનક કૃત્ય' ગણાવ્યું છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, "આ પ્રકારના અપમાનજનક કાર્યો વિશ્વભરના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને તે થવું જોઈએ નહીં. હિન્દુ અને બૌદ્ધ દેવતાઓને પ્રદેશમાં ઊંડી શ્રદ્ધા સાથે પૂજવામાં આવે છે, જે આપણી સહિયારી સાંસ્કૃતિક વારસાનો ભાગ છે." ભારતે બંને દેશોને શાંતિ જાળવી રાખવા અને વારસાને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી છે.

કંબોડિયાનો આરોપ: થાઈ સેનાએ તોડી મૂર્તિ

કંબોડિયાના અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે થાઈ સૈનિકોએ વિવાદિત અન સેસ વિસ્તારમાં ૨૦૧૪માં બનાવવામાં આવેલી વિષ્ણુ ભગવાનની મૂર્તિને બુલડોઝરથી તોડી પાડી છે. આ વિસ્તાર કંબોડિયાની સરહદથી માત્ર ૧૦૦ મીટરના અંતરે છે. મૂર્તિ તોડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે વ્યાપક ટીકા થઈ રહી છે. કંબોડિયાએ પ્રાચીન મંદિરો અને મૂર્તિઓના વિનાશની સખત નિંદા કરી છે. જોકે, થાઈલેન્ડ સરકારે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

યુદ્ધ જેવી સ્થિતિ કેમ ઉભી થઈ?

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો આ વિવાદ વસાહતી કાળની ૮૦૦ કિલોમીટર લાંબી સરહદ રેખા અને તેની આસપાસના પ્રાચીન મંદિરોના અવશેષોને લઈને છે. ખાસ કરીને પ્રેહ વિહાર મંદિર (૧૨મી સદીનું શિવ મંદિર) આ વિવાદનું કેન્દ્ર છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બંને દેશો એકબીજા પર સરહદી વિસ્તારમાં મંદિરોને નુકસાન પહોંચાડવાના આરોપ લગાવી રહ્યા છે. ડિસેમ્બરની શરૂઆતથી શરૂ થયેલા તાજા સંઘર્ષમાં આર્ટિલરી અને એર સ્ટ્રાઇક્સનો ઉપયોગ થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતે આ પહેલા પણ પ્રેહ વિહાર મંદિરને નુકસાનના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના સંરક્ષણની વાત કરી હતી. હાલ બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ તણાવ હજુ યથાવત્ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now