Manipur earthquake: મણિપુર હાલમાં બેવડી આફતોનો સામનો કરી રહ્યું છે. એક તરફ મંગળવારે વહેલી સવારે રાજ્યમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, તો બીજી તરફ હિંસા અને નાગરિકોની હત્યાના વિરોધમાં અપાયેલા બંધના એલાનને કારણે સમગ્ર રાજ્યમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે.
વહેલી સવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે 5:59 વાગ્યે મણિપુરના કામજોંગમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 62 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે મણિપુર ઉપરાંત પાડોશી રાજ્યો નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં પણ તેની અસર અનુભવાઈ હતી. ઊંઘમાં રહેલા લોકો ડરના માર્યા ઘર છોડીને સુરક્ષિત સ્થાને દોડી આવ્યા હતા. સદનસીબે, હજુ સુધી કોઈ મોટા જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી.
હિંસા અને 'બંધ' થી જનજીવન ઠપ્પ
રાજકીય અને સામાજિક સ્તરે મણિપુરમાં તણાવ ચરમસીમા પર છે. તાજેતરમાં બે નિર્દોષ બાળકો અને નાગરિકોની હત્યાના વિરોધમાં વિવિધ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. સોમવારથી જ રાજ્યના પાંચ ખીણ જિલ્લાઓ અને નાગા પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં શાળાઓ, કોલેજો, બજારો અને જાહેર પરિવહન સંપૂર્ણપણે બંધ રહ્યા છે. ખાસ કરીને પાંચ વર્ષના બાળક અને છ મહિનાની બાળકીના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષ ફેલાવ્યો છે.
આ પણ વાંચો: PM મોદીના આગમન પહેલાં જ પચપદ્રા રિફાઇનરીમાં ભીષણ આગ : તંત્રમાં હડકંપ- શું અસર પડશે કાર્યક્રમ પર?
સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ
મહિલા સંગઠન 'મીરા પૈબિસે' દ્વારા પાંચ દિવસના બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે રોષે ભરાયેલા ટોળાએ CRPF કેમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા જવાબી ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
મણિપુર હાલમાં કુદરતી ભય અને આંતરિક વિખવાદ વચ્ચે અટવાયેલું છે. એકતરફ લોકો ભૂકંપ જેવા કુદરતી સંકટથી ડરી રહ્યા છે, તો બીજી તરફ હિંસા અને અસ્થિરતા સામાન્ય નાગરિકોની શાંતિ છીનવી રહી છે. પ્રશાસન માટે હાલ શાંતિ અને સુરક્ષા જાળવી રાખવી એ સૌથી મોટો પડકાર બની ગયો છે.





