ભુવનેશ્વર/હિસાર: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના સંપર્કમાં આવેલી પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિ પણ શંકાના દાયરામાં છે.ઓડિશા પોલીસે પ્રિયંકા સેનાપતિ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાનને ભારતની ગુપ્તચર માહિતી મોકલવાના આરોપમાં ધરપકડ કરાયેલી હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં નવા ખુલાસા થયા છે. હવે આ કેસની તપાસ ઓડિશા સુધી વિસ્તરી છે, જ્યાં પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિ પણ તપાસના દાયરા હેઠળ આવી ગઈ છે. તપાસમાં ખુલ્યું છે કે પ્રિયંકા અને જ્યોતિ સાથે મળીને વિવિધ સ્થળોની મુલાકાતે ગયા હતાં, જેમાં પાકિસ્તાન યાત્રા પણ સામેલ છે.
જાસૂસીના કેસમાં ધરપકડ થયેલા જ્યોતિ મલ્હોત્રાનો એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે શ્રીનગરમાં પ્રિયંકા સાથે તેના ફોલોવર્સ સાથે લાઈવ ચેટ કરતી જોવા મળે છે. વિડિઓમાં બંનેને પાકિસ્તાન અને ભારતના વિવિધ વિસ્તારોના લોકો સાથે વાતચીત કરતાં સ્પષ્ટ જોઈ શકાય છે.પ્રિયંકા સેનાપતિ અને જ્યોતિ ચાર માસ પૂર્વે પેહલગામ ગયાં હતાં,
પ્રિયંકા અને જ્યોતિ ચાર માસ પૂર્વે પહેલગામ ગયા હોવાની માહિતી સામે આવ્યા બાદ ગુપ્તચર એજન્સીઓએ વધુ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી છે, જ્યોતિએ પુરીના જગન્નાથ મંદિર પર વીડિયો બનાવીને શેયર કર્યો હતો, જે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સુધી પહોંચ્યો હોવાની આશંકા છે.
ઓડિશા પોલીસ દ્વારા પ્રિયંકા સેનાપતિની પુછપરછ
ઓડિશા પોલીસ દ્વારા તેના વિવિધ પ્રવાસો અંગે પૂછપરછ સાથે પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે,કયા કયા રોકાઈ હતી તથા કોણે કોણે મળી હતી તે અંગે પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ, ઓડિશાની સંસ્થા ‘ઓડિયા અસ્મિતા પરિષદ’ના સંચાલક રવિ બેહરાએ માંગ કરી છે કે, જગન્નાથ મંદિરની સુરક્ષા વધુ કડક કરવામાં આવે, કારણ કે, આ મંદિર અગાઉ પણ આતંકી ટાર્ગેટ પર રહી ચૂક્યું છે.
આ કેસ હવે દેશના આંતરિક સુરક્ષાને લઇને ગંભીર ચિંતાનો વિષય બન્યો છે, અને ગુપ્તચર એજન્સીઓ સાથે પોલીસ પણ ચારે દિશાઓમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.






