Home Gujarat Bad News For Saffron Mango Lovers Fears Of Production Decline Due To Changing Climate Prices May Increase

કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર : બદલાતા વાતાવરણથી ઉત્પાદન ઘટવાની ભીતિ, ભાવ વધી શકે

કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 04:49 AM IST

KESAR MANGO: ઉનાળો એટલે ફળોના રાજા કેરીની સિઝન. એમાંય કેરીઓમાં જેને સર્વ શ્રેષ્ઠનું બિરુદ સ્વયંભૂ મળેલું છે એવી કેસર કેરીની તો વાત જ અલગ છે. સૌ કોઈ કેસર કેરીની રાહ જોતા હોય છે. જોકે, આ વખતે કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. આ વખતે કેસર કેરીના રસિયાઓએ વધારે પૈસા ચુકવવા પડશે. શું છે તેની પાછળના કારણો એ પણ જાણીએ.

ઉનાળાની ઋતુ આવે એટલે સૌરાષ્ટ્રની શાન ગણાતી કેસર કેરીની યાદ આવવી સ્વાભાવિક છે. દર વર્ષે લોકો આતુરતાપૂર્વક કેસર કેરીની રાહ જોતા હોય છે. પરંતુ આ વર્ષે કેસર કેરીના રસિયાઓ માટે ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. બદલાતા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગની અસર હવે કેરીના પાક પર પણ જોવા મળી રહી છે, જેના કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્પાદન ઓછું રહે તો બજારમાં કેરીના ભાવમાં વધારો થવાની સંભાવના પણ વધી શકે છે.

સૌરાષ્ટ્રમાં કેસર કેરીના પાક પર વાતાવરણનો પ્રભાવ-

સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વર્ષોથી કેસર કેરીની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ખાસ કરીને ભાવનગર જિલ્લાના સોસિયા, મહુવા અને ઘોઘા પંથકમાં હજારો ખેડૂતો આંબાની ખેતી પર આધાર રાખે છે. સામાન્ય રીતે આંબામાં વહેલો મોર બેસે છે અને ત્યારબાદ નાની નાની કેરીઓ દેખાવા લાગે છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત ફેરફારને કારણે આંબામાં પૂરતો મોર બેસતો નથી. ખેડૂતો જણાવે છે કે ઘણા આંબામાં મોર આવવાની જગ્યાએ નવા પાન અને ડાળીઓ ફૂટી નીકળતા જોવા મળી રહ્યા છે. જેના કારણે પાકના વિકાસ પર અસર પડી રહી છે.

પોષણ નવા પાનમાં જ ખર્ચાઈ જતાં મોર ઓછો-

જ્યારે આંબામાં નવા પાન અને ડાળીઓ વિકસે છે ત્યારે ઝાડનું પોષણ ત્યાં જ ખર્ચાઈ જાય છે. પરિણામે મોર પૂરતો બેસતો નથી. જ્યાં મોર આવ્યો છે ત્યાં પણ નાની કેરીઓ ખરી પડવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર અસર પડી શકે છે.

ડબલ ઋતુ પણ ખેડૂતો માટે પડકાર-

હાલમાં અનુભવાતી ડબલ ઋતુ પણ ખેડૂતો માટે મોટી સમસ્યા બની રહી છે. સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે દિવસે તાપમાન વધી રહ્યું છે. આ પ્રકારનું અનિશ્ચિત વાતાવરણ કેરીના પાક માટે અનુકૂળ સાબિત થતું નથી. સામાન્ય રીતે એક આંબામાં વર્ષભરની સંભાળ અને માવજત બાદ 15 થી 25 મણ સુધી કેરીનો ઉતારો મળે છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે પ્રતિ આંબા માત્ર 5 મણ જેટલો ઉતારો રહેવાની શક્યતા છે.

બજારમાં ભાવ વધવાની શક્યતા-

જો કેસર કેરીનું ઉત્પાદન ઓછું રહેશે તો તેની સીધી અસર બજારમાં જોવા મળશે. નિષ્ણાતો માને છે કે આ વર્ષે કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીએ વધારે રહી શકે છે. એક તરફ ખેડૂતોને ઓછા ઉત્પાદનને કારણે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે, તો બીજી તરફ કેસર કેરીના શોખીનો માટે આ વર્ષે કેરી મોંઘી પડી શકે છે.

બદલાતા વાતાવરણની અસર હવે ખેતી અને ખેડૂતોની આવક પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. જો આગામી સમયમાં વાતાવરણમાં સુધારો નહીં થાય તો કેસર કેરીના ઉત્પાદન પર વધુ ગંભીર અસર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now