Aadhaar Offline e-KYC: આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ એ આપણી ઓળખનો સૌથી મહત્વનો દસ્તાવેજ બની ગયો છે. બેંકમાં ખાતું ખોલાવવું હોય, નવું સિમ કાર્ડ લેવું હોય કે સરકારી યોજનાનો લાભ લેવો હોય, દરેક જગ્યાએ KYC કરાવવું અનિવાર્ય છે. જોકે, ઘણીવાર ફિઝિકલ આધાર કાર્ડની નકલ આપતી વખતે આપણને આપણો ડેટા ચોરી થવાનો કે આધાર નંબર લીક થવાનો ભય રહેતો હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે UIDAI (Unique Identification Authority of India) એ હવે 'ઓફલાઇન e-KYC' ની શાનદાર સુવિધા શરૂ કરી છે.
આ નવી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે, હવે તમારે વેરિફિકેશન માટે કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ કે અસલી આધાર નંબર શેર કરવાની જરૂર નથી. એટલું જ નહીં, ઘણીવાર નેટવર્કની સમસ્યાને કારણે મોબાઈલ પર OTP આવવામાં વિલંબ થતો હોય છે, પરંતુ આ ઓફલાઇન સુવિધામાં OTP વગર પણ સુરક્ષિત રીતે વેરિફિકેશન થઈ શકશે. આ પદ્ધતિ પ્રાઈવસી અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી વરદાન સમાન સાબિત થઈ રહી છે, જે સામાન્ય નાગરિકોને ડિજિટલ ફ્રોડથી બચાવવામાં મદદરૂપ થશે.
ઓફલાઇન KYC: સુરક્ષા અને પ્રાઈવસીનું અનોખું સંગમ
UIDAI દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે. આમાં બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન) ની જરૂર પડતી નથી, જેનાથી ડેટા સુરક્ષામાં વધારો થાય છે. આ પ્રક્રિયામાં એક ખાસ QR કોડ અથવા ડિજિટલ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફાઇલ UIDAI દ્વારા ડિજિટલી સાઈન કરવામાં આવેલી હોય છે, જેથી તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી અશક્ય છે. યુઝર પોતે નક્કી કરી શકે છે કે તેણે કઈ વિગતો શેર કરવી છે, જે તેને પોતાની માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ આપે છે.
આ પણ વાંચો: વ્હોટ્સએપમાં છુપાયેલા છે આ 5 ધાંસુ ફીચર્સ : યુઝ કરશો તો કહેશો - 'પહેલા કેમ નહોતી ખબર!'
સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ: કેવી રીતે કરશો ડાઉનલોડ?
જો તમે પણ આ સેવાનો લાભ લેવા માંગતા હોવ, તો નીચે મુજબની સરળ પ્રક્રિયા અનુસરી શકો છો:
લોગઈન: સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ (myaadhaar.uidai.gov.in) પર જાઓ અને તમારા ક્રિડેન્શિયલ્સ સાથે લોગઈન કરો.
Offline e-KYC: ડેશબોર્ડ પર દેખાતા 'Offline e-KYC' આઇકોન પર ક્લિક કરો.
શેર કોડ (Share Code): અહીં તમારે તમારી પસંદગીનો 4 અંકોનો એક 'શેર કોડ' (દા.ત. 5678) બનાવવાનો રહેશે. આ તમારો પાસવર્ડ ગણાશે.
ફાઇલ ડાઉનલોડ: કોડ સેટ કર્યા પછી એક .zip ફાઇલ ડાઉનલોડ થશે.
ઉપયોગ: હવે જ્યાં પણ KYC ની જરૂર હોય, ત્યાં આ ફાઇલ અને તમારો બનાવેલો 4 અંકોનો કોડ આપી દો. સામેની વ્યક્તિ તે કોડની મદદથી તમારું વેરિફિકેશન પૂર્ણ કરી શકશે.
ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો
આ સુવિધાનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. તમે બનાવેલો 4 અંકોનો શેર કોડ તમારી સુરક્ષાની 'ચાવી' છે, તેથી તેને ભરોસાપાત્ર સંસ્થાઓ સાથે જ શેર કરો. ડાઉનલોડ કરેલી .zip ફાઇલનું નામ કે ફોર્મેટ ક્યારેય બદલવું નહીં, અન્યથા તે સોફ્ટવેરમાં ખુલશે નહીં. વધુમાં, સુરક્ષાના કારણોસર દરેક નવા KYC માટે તાજી ફાઇલ ડાઉનલોડ કરવી વધુ હિતાવહ છે, કારણ કે આ ફાઇલો લાંબા સમય સુધી માન્ય હોતી નથી.





