રામોલમાં વેપારીએ જમીન દલાલ મિત્રને રૂ. 60 હજારના ભાડેથી એક મહિના માટે કાર ભાડે આપી હતી. પરંતુ મિત્રએ બારોબાર કાર રાજસ્થાનના બુટલેગરને રૂ. 4.50 લાખમાં વેચી દીધી હોવાનું માલૂમ પડતાં રામોલ પોલીસ મથકે કાર માલિકે મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નિકોલમાં રહેતા અમીતભાઇ ભાવસાર ઘરેથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. જેમાં તેમની માતાના નામની સ્કોર્પીયો કાર ગત 20મેએ જમીન દલાલ મિત્ર લક્ષ્મણ ભરવાડને એક મહિના માટે માસિક રૂ. 60 હજારના ભાડે આપી હતી. ત્યારે 15 દિવસ પહેલા લક્ષ્મણભાઇ કાર લઇને બગોદરા ગયા ત્યાં રસ્તામાં પોલીસે કાર રોકી હતી અને ડોક્યુમેન્ટ માંગતા અમીતભાઇએ વોટ્સએપ કર્યા હતા. બાદમાં એક મહિનો પૂર્ણ થવા આવતા અમીતભાઇએ લક્ષ્મણ ભરવાડ પાસે કાર પરત માંગતા તેને બે-ત્રણ દિવસમાં આપવાનું જણાવ્યુ હતુ. બાદમાં લક્ષ્મણે કહ્યુ કે તમારી કાર તેમનો માણસ લઇને જતો હતો ત્યાં રામોલ પાસે ફાઇનાન્સ કંપનીના કર્મીઓએ કાર રોકીને ડ્રાઇવરને ઉતારીને કાર લઇને જતા રહ્યા હતા. જેથી કાર માલિક અમીતભાઇ ભાવસારે જીપીએસ ટ્રેકરના આધારે કારની તપાસ કરતાં કાર ડભોડા રોડ પર પાર્ક થયેલ હતી.
કાર મલિક અમિત ભાવસારે નજીકમાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી બંને શખ્સોને રામોલ પોલીસ સ્ટેશન લઇને આવતા તેઑના નામ મહેન્દ્રસિંગ ભાટી અને કલ્યાણસિંગ સિસોદિયા હોવાનું જણાવ્યુ હતુ. અ બંને ની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે, લક્ષ્મણે રૂ. 4.50 લાખમાં દારૂના ધંધા માટે કાર આપી હતી. તેઓ જ્યારે કાર લઇને જતા હતા તે સમયે અન્ય એક કારમાંથી ત્રણ શખ્સોએ આવીને લક્ષ્મણનો સામાન રહી ગયો કહીને ચાવી લઇને કાર લઇને ફરાર થઈ ગયા હતા. બાદમાં મહેન્દ્ર અને કલ્યાણ રિક્ષામાં કારનો પીછો કરીને ડભોડા પાસે કાર પાસે ચક્કર મારતા હતા તે સમયે અમીતભાઇએ આસપાસના લોકોની મદદથી તેમને પકડી પાડ્યા હતા. આ અંગે અમીતભાઇએ લક્ષ્મણ, મહેન્દ્ર, કલ્યાણ, ઇમરાન, અતુલ અને અજાણ્યા ત્રણ શખ્સો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.






