વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગતરોજ રાતે બનેલી ગટર દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નજીક, પાણીની ટાંકી બહાર આવેલી ખુલ્લી ડ્રેનેજ ગટરના મેનહોલમાં યુવક ખાબકતા વિપુલસિંહ ઝાલા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થતાં શહેરમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે.
'કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ'
આ ગંભીર ઘટનાને લઈને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે, આ ઘટના બેદરકારીના કારણે બની છે. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા કામ ચાલી રહ્યું હતું અને આ કામનો કોન્ટ્રાક્ટ ઇકો ફેસિલિટી કંપનીને આપવામાં આવ્યો હતો. ખુલ્લા મેનહોલ પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા ન રાખવી એ ગંભીર બેદરકારી હોવાનું માનીને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જે અધિકારીની દેખરેખ હેઠળ આ કામ ચાલતું હતું તેની સામે પણ કડક પગલાં લેવાશે તેવું કમિશનરે જણાવ્યું છે.
દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર
ઘટનાના બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લી ગટર પર ઢાંકણું મૂકી દેવામાં આવ્યું, ‘કામ ચાલુ છે’નું બોર્ડ લગાવવામાં આવ્યું અને બેરિકેટિંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ પાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને વધુ ઉજાગર કરી છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની વ્યવસ્થા અને જાહેર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
જાણો સમગ્ર કેસ
મળતી માહિતી મુજબ વિપુલસિંહ ઝાલા ગતરોજ રાત્રે માંજલપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે ચાઈનીઝ ખાવા ગયા હતા. ત્યારબાદ તેઓ પગપાળા અહીંથી જઈ રહ્યા હતા. રસ્તા પર અંધારું હોવાના કારણે અને ખુલ્લા મેનહોલ પર કોઈપણ પ્રકારનું ઢાંકણું કે સેફ્ટી બેરિકેટિંગ ન હોવાથી તેઓ અચાનક આ ખુલ્લા મેનહોલમાં ખાબકી ગયા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મેનહોલમાં ઉતરી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.




















