Surat Crime: સુરત શહેરમાં વ્યાજખોરોના વધતા ત્રાસ વચ્ચે એક કાળજું કંપાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અમરોલી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે, જે સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા, તેમણે વ્યાજખોરોના સતત દબાણથી જીવનનો અંત લાવી દીધો. વિનોદે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
વિનોદના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેઓ થોડા સમયથી દેવાના બોજ નીચે દબાઈ ગયા હતા અને આ દેવું ચૂકવવા માટે વ્યાજખોરો તેમને રોજબરોજ ફોન કરીને ત્રાસ આપતા હતા. પરિવારના જણાવ્યા મુજબ, વ્યાજખોરો માસિક ધમકીઓ આપતા અને પૈસા ન ચૂકવશો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે એવી ચેતવણીઓ આપતા હતા. સતત દબાણ, માનસિક તણાવ અને ધમકીઓથી કંટાળી વિનોદે આ પગલું ભર્યું હોવાનું પરિવારનું કહેવું છે.
ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને વ્યાજખોરોની સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરિવારજનોએ સરકાર અને પોલીસ તંત્રને માગણી કરી છે કે આરોપી વ્યાજખોરોને તાત્કાલિક પકડી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી પરિસ્થિતિમાં અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો ન આવે.
મૃતકના સગા દીપકભાઈએ મીડિયાને જણાવ્યું કે વિનોદ શાંત સ્વભાવનો અને જવાબદાર પરિવારપ્રેમી વ્યક્તિ હતો, પરંતુ વ્યાજખોરોના ત્રાસે તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.
આ ઘટના ફરી એકવાર શહેરમાં ફેલાયેલા વ્યાજખોરોના જાળાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. લોકો સુરક્ષિત રહે અને આવું શોષણ ન વધે તે માટે કડક પગલાં લેવાની જરૂરિયાત પણ સામે આવી છે.






