Home Gujarat Young Man From Morbi Fulfilled His Dream Of Becoming A Psi Despite Having Atkt In Not One Or Two But 13 Subjects

12th Failને ટક્કર આપતી રિયલ સ્ટોરી : આ યુવકે એક-બે નહીં પરંતુ 13 વિષયમાં એટીકેટી હોવા છતાં PSI બનવાનું સપનું કર્યું સાકાર

12th Failને ટક્કર આપતી રિયલ સ્ટોરી
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2024, 08:33 AM IST

જીગ્નેશ ભટ્ટ, મોરબી: વર્તમાન સમયમાં કોઈ પરીક્ષામાં એકાદ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થાય તો પણ નાસીપાસ થઈ જતાં હોય છે. જો કે, કોલેજના ત્રણ વર્ષમાં એક વિષયમાં નહીં, પરંતુ 13 વિષયમાં એટીકેટી આવી તો પણ હિંમત હાર્યા વગર અભ્યાસમાં મહેનત કરનાર મોરબીના યુવાને બીએસસીના ફાઇનલ યરમાં કોલેજ પ્રથમ આવીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી. આજે આ યુવક રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. જે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે.


ઘણા શિક્ષકો વિધાર્થીઓ માટે ભવિષ્યવાણી કરતા હોય વિધાર્થી ભણવામાં ઠોઠ છે, વિધાર્થીને કહેશે તારું ભવિષ્ય અધકારમય છે, તું મજુરી કરીશ, તું ક્યારેય પાસ નહીં થાય વગેરે વિશેષણોથી ઘણા શિક્ષક વિધાર્થીને નવાજતા હોય છે. પરંતુ વર્ષો બાદ તે જ વિધાર્થી શિક્ષકને કલાસ વન ઓફીસર, કોઈ સફળ ડોક્ટર, એન્જીનીયર, વૈજ્ઞાનિક તરીકે કે કોઈ ઉદ્યોગપતિ તરીકે જોવે તો? શિક્ષક આનંદ અનુભવે કે તેની ભવિષ્યવાણી ખોટી પડી છે.


તોફાની વિદ્યાર્થીથી પીએસઆઈ સુધીની સફર:

આવી જ ઘટના મોરબીમાં બનેલ છે. જેમાં જામંગ હિરેન મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ધો. 1 થી 10નો અભ્યાસ કર્યો હતો અને ત્યારે તેની તોફાની વિદ્યાર્થી તરીકેની શાળામાં છાપ હતી. જો કે, ધો. 10માં સારા ટકા મેળવેલ હતા. હાલમાં આ વિદ્યાર્થી ખાતાકીય જરૂરીયાતના લીધે ધો. 10ની હિન્દીની પરીક્ષા અઈસોલેટ વિધાર્થી તરીકે આપવા ફોર્મ ભરવા માટે શાળાએ આવ્યો હતો, ત્યારે શાળાના આચાર્ય સહિતના સ્ટાફને તેના ઉપર ગર્વ હતો. આ શાળાના આચાર્ય સંજયભાઈ વિરડીયાના કહેવા મુજબ નાનપણનો તોફાની હિરેન આજે રાજકોટમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે.


પતિના અવસાન બાદ ઘરની આર્થિક પરિસ્થિત બની ખરાબ:

ઉલેખનીય છે કે, હિરેનના પિતા દરજી કામ કરતાં હતા અને કોરોના દરમિયાન તેમનું અવસાન થયું હતું. જો કે, ઘરની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી તેને અભ્યાસની સાથે જે તે સમયે કુરિયર સર્વિસ અને છાપાના વિતરણનું કામ પણ કર્યું હતું અને તેને વર્ષ 2006માં ધોરણ 10માં 78 ટકા મેળવેલ હતા. જ્યાર બાદ હિરેન SY B.SCમાંથી TY B.SC સુધી પહોચ્યો ત્યાં સુધીમાં તેને જુદા-જુદા વિષયમાં 13 એટીકેટી હતી. 


હાર ન માની અને કોલેજમાં ટોપ કર્યુ:

કોલેજના 3 વર્ષમાં જુદા-જુદા વિષયમાં 13 એટીકેટી હોવા છતાં યુવકે હાર માની નહીં અને  TY B.SCની પરીક્ષા અગાઉ એટીકેટી સોલ કરી નાખી હતી. જો કે, TY B.SCમાં ફેઈલ થયો હતો અને બીજા વર્ષે હિરેને ફરીથી TY B.SCની પરીક્ષા આપી હતી.  જ્યારે પરીક્ષામાં હિરેનનું રીઝલ્ટ રેકર્ડબ્રેક આવ્યું હતું અને સમગ્ર કોલેજમાં તે પ્રથમ નંબરે આવ્યો હતો. તેવી જ રીતે તે M.SCમાં સમગ્ર કોલેજ પ્રથમ નંબરે આવ્યો હતો. તેવું પીએસઆઈ હિરેનભાઈ જામાંગે જણાવ્યુ હતું.


6થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષા કરી પાસ:

આ સફળતાના શિખર સુધી પહોચવા માટે હિરેનભાઇએ જે મહેનત કરી હતી તેની માહિતી આપતા તેના બહેન કોમલબેન જામાંગએ જણાવ્યું હતું કે, હિરેને જુદી-જુદી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું શરૂ કર્યું હતું અને એક કે બે નહીં તેને નોકરી માટે 6થી વધારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી. જો કે, તેને પીએસઆઈ બનવું હતું માટે તે નોકરી લીધી ન હતી.


પ્રથમ પ્રયાસમાં પાસ કરી GPSC:

શાળામાં તોફાની અને કોલેજમાં ફેઇલ થયેલ હિરેને MSC પાસ કર્યું ત્યાર પછી તે ઇફકોના ઇન્ટરવ્યુંમાં ગુજરાતમાંથી માત્ર 10 ઉમેદવારોને પસંદ કરવામાં હતા. તેમાં હિરેનની પણ પસંદગી કરાઈ હતી. આટલું જ નહીં GPSCની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું અને મહેનત કરી GPSC પ્રથમ પ્રયાસે પાસ કરી હતી. જો કે, વર્ષ 2017ની પીએસઆઈ માટેની ભરતીમાં સમગ્ર ગુજરાતમાં તેને 26મો રેન્ક મેળવ્યો હતો. આજે તે રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે.


મહેનતનું ફળ એકના એક દિવસે મળે જ છે:

આજની તારીખે બોર્ડની પરીક્ષા આપતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ કોલેજની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઉપર તેમના પરિવાર તરફથી સારા ટકા લેવા માટે ઘણું દબાણ કરવામાં આવે છે. જો કે, આ પીએસઆઈ હિરેને જેને કોલેજમાં એક-બે નહીં પરંતુ 13 એટીકેટી હતી તો પણ તેને પોતાના ધ્યેયને નજર સમક્ષ રાખીને અક્લ્પ્નિય સફળતા મેળવી છે. આ યુવકની રિયલ સ્ટોરી તાજેતરમાં રિલીઝ થયેલ 12 ફેઇલ હિન્દી ફિલ્મને પણ ટક્કર મારે તેવી છે, તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.







joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now