Home Gujarat Yashraj Rajeshwari Shot Revolver Committed Suicide In Presenc Mothe 108 Team Shaktisinh Gohil Jairash Singh Parmar

માતા અને 108 ટીમની હાજરીમાં જ યશરાજે કર્યો આપઘાત : જયરાજસિંહ પરમારનું ભાવુક નિવેદન, કહ્યું- "શક્તિસિંહે રાજકુમારની જેમ ઉછેર્યો હતો"

માતા અને 108 ટીમની હાજરીમાં જ યશરાજે કર્યો આપઘાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 12:09 PM IST

અમદાવાદ શહેરમાં એક અત્યંત દુઃખદ અને હ્રદયવિદારક ઘટના બની છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રિજા યશરાજસિંહ ગોહિલે પોતાની પત્ની રાજેશ્વરીને ગોળી મારીને હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો. આ ઘટના બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં ગત મોડી રાતે બની, જ્યાં આ નવદંપતી માત્ર થોડા મહિના પહેલાં જ લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યું હતું. ઘટના બનતી વખતે ઘરમાં યશરાજસિંહની 60 વર્ષીય માતા પણ હાજર હતા. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના લાઇસન્સવાળા હથિયારથી થઈ હતી અને તે અકસ્માતમાં બની હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. હાલ આ ઘટનાએ પરિવારને તોડી નાખ્યો છે અને રાજકીય-સામાજિક વર્તુળોમાં પણ આઘાતનું વાતાવરણ ફેલાયું છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને ભાજપ નેતા જયરાજસિંહ પરમારે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

અકસ્માતે પત્નીના મોત, પછી આપઘાત

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, યશરાજસિંહ ગોહિલ પાસે લાઇસન્સવાળું રિવોલ્વર હતું. રિવોલ્વર ફેરવતા સમયે અકસ્માતમાં ગોળી છૂટી ગઈ અને તે તેમની પત્ની રાજેશ્વરીના ગળામાં વાગી ગઈ. આ અકસ્માતને કારણે રાજેશ્વરીનું તરત જ મોત નીપજ્યું હતું. જો કે,ઘટના બનતાં જ યશરાજસિંહે 108 ઇમર્જન્સી સર્વિસને કોલ કર્યો હતો. 108ની ટીમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી. આ આઘાતજનક સમાચાર સાંભળતાં જ યશરાજસિંહે 108ની ટીમ અને પોતાની માતા સામે જ પોતાના માથે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના એટલી ઝડપથી બની કે કોઈને અટકાવવાની તક મળી નહીં.

લાઇસન્સવાળું હથિયાર અને પરિવારની હાજરી

યશરાજસિંહની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના પુત્ર પાસે હથિયારનું લાઇસન્સ હતું. ઘટના બનતી વખતે ઘરમાં યશરાજસિંહ, તેમની પત્ની અને 60 વર્ષીય માતા હાજર હતા. પોલીસે હથિયારના લાઇસન્સની તપાસ હાથ ધરી છે અને બંને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે. યશરાજસિંહ અને રાજેશ્વરી બંનેના માથામાં એક-એક ગોળી વાગી હતી. મહત્વનું છે કે, યશરાજસિંહ મેરીટાઈમ બોર્ડમાં સરકારી નોકરી કરતા હતા અને ત્યાં ફરજ બજાવતા હતા. તેમના અને રાજેશ્વરીના લગ્નને હજુ થોડા મહિના જ થયા હતા. બંને વિદેશ ફરવા જવાના હતા અને તેમનું જીવન ખુશહાલીથી ભરેલું હતું. આ અકસ્માતે તેમના તમામ સપના ચકનાચૂર કરી નાખ્યા છે.

મનીષ દોશીનું નિવેદન

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ ઘટના પર ભાવુક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે. યશરાજસિંહના લગ્નને હજુ માત્ર થોડા મહિના જ થયા હતા. તેઓ મેરીટાઈમ બોર્ડમાં નોકરી કરતા હતા અને પાસે રિવોલ્વર હતું. રિવોલ્વર ફેરવતા વખતે અકસ્માતમાં પત્નીના ગળામાં ગોળી વાગી. તરત 108ને કોલ કર્યો, પરંતુ 108ની ટીમે પત્નીને મૃત જાહેર કરી. આ આઘાતથી યશરાજસિંહે પોતાને ગોળી મારી લીધી. બંને વિદેશ ફરવા જવાના હતા.”

ભાજપ નેતા જયરાજસિંહ પરમારનું ભાવુક નિવેદન

આ ઘટનાની જાણ થતા ભાજપ નેતા જયરાજસિંહ પરમાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તમામ વિગતો જાણ્યા બાદ તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, “આ ઘટના ખૂબ દુઃખદ છે. થોડા દિવસ પહેલા અમે માળીયા હતા. અગાઉ વર્ષો પહેલા તેમના પપ્પા પણ ગુજરી ગયા હતા. ખબર નથી કેવી કિસ્મત છે. કશું કહેવા શબ્દો નથી. યશરાજસિંહ મારા મામાનો દીકરો છે. શક્તિસિંહે રાજકુમારની જેમ ઉછેર્યો હતો. ખૂબ સુખી દંપતી હતું. ”

પોલીસ તપાસ ચાલુ, ફોરેન્સિક અને લાઇસન્સની કરાઈ રહી છે તપાસ

હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે હથિયારના લાઇસન્સની તપાસ હાથ ધરી છે અને બંને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે જોવું રહ્યું કે, પોલીસની તપાસમાં શું ખુલાસો થાય છે અને આ દુઃખદ અકસ્માતનું ચોક્કસ કારણ શું નીકળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now