ચીન તેના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ છે, બ્રહ્મપુત્રા નદી પર તે દુનિયાનો સૌથી મોટો ડેમ બાંધવા જઈ રહ્યો છે, આ અગાઉ ચીન દુનિયાનો સૌથી મોટો હાઈડ્રો ઈલેક્ટ્રિક ડેમ પણ બનાવી ચૂક્યુ છે. બ્રહ્મપુત્રા નદી પર આ ડેમ બનાવવાની જાહેરાતથી ના માત્ર એશિયાઈ દેશોમાં પરંતુ અમેરિકા સુધી ખળભળાટ મચ્યો છે. એકતરફ ચીને ડેમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો બીજીતરફ ભારત સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે.
બ્રહ્માપુત્રા પર બનશે સૌથી મોટો ડેમ
ભારતના પાડોશી દેશ ચીને તિબેટ ક્ષેત્રમાં યારલુંગ જાંગ્બો નદી પર દુનિયાની સૌથી મોટી પરિયોજનાનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. યારલુંગ જાંગ્બો નદી ભારતમાં બ્રહ્માપુત્રા નદીના નામથી ઓળખાય છે. ચીનની દુનિયાનો સૌથી મોટો બંધ બનાવવાની જાહેરાત કરાયા બાદ ભારત સરકાર એકશન મોડમાં આવી ગઈ છે.
ચીનના પ્રોજેક્ટથી ભારત સરકાર એલર્ટ મોડમાં
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનના થ્રી ગોર્જિસ ડેમ પરિયોજના પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું- ચીનની આ પરિયોજનાને લઈ ભારત સરકાર એલર્ટ મોડ પર છે, ભારત પોતાના હિતને ધ્યાનમાં રાખી પરિયોજના નિર્માણ કામગીરી પર સતત નજર રાખશે, અને જરૂર પડશે તો આવશ્યક પગલા પણ ઉઠાવશે. તેમણે કહ્યું કે- ભારત સરકાર એ વાતને સુનિશ્ચિંત કરશે કે ડેમના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નુકસાન ના થાય.
આ પરિયોજનાથી ભારતને શું ફરક પડી શકે?
મહત્વનું છે કે ચીનની યારલુંગ જાંગ્બો તિબેટમાંથી નીકળી દક્ષિણ તરફ જાય છે, અને ભારતમાં અરૂણાચલ પ્રદેશ, આસામમાં વહે છે, અને તે બાદ બાંગ્લાદેશમાં જાય છે. બ્રહ્માપુત્રા નદી પર જો બંધ બાંધવામાં આવે તો તેનાથી ભારત, નેપાળ અને બાંગ્લાદેશને મળતા પાણી પુરવઠામાં ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પરિયોજનાના કારણે ભારતમાં પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર આવવાની સંભાવના વધી શકે છે. ડેમ નિર્માણના કારણે ભારત, બાંગ્લાદેશ અને નેપાળને નુકસાન વેઠવું પડી શકે તેવા તર્ક વિતર્ક સર્જવામાં આવી રહ્યા છે, જેને લઈ ચીન તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે નિવેદન આપ્યુ હતું કે- આ ડેમના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેની નકારાત્મક અસર નહીં થાય.
થ્રી ગોર્જીસ ડેમની ખાસિયત
આ નવો ડેમ તિબેટમાં પઠારના પૂર્વ છેડે યારલુંગ જાંગ્બો નદી પર બાંધવામાં આવશે. 6,561 ફૂટની ઊંચાઈ પર આ ડેમ બાંધવામાં આવશે. થ્રી ગોર્જીસ ડેમ બાંધવાનો અંદાજિત ખર્ચ 37 બિલિયન ડૉલર માનવામાં આવી રહ્યો છે. આ ડેમ 185 મીટર ઊંચો અને 2 કિલોમીટરથી વધુ લાંબો હશે. દુનિયામાં સૌથી વધુ વીજળી ઉત્પાદન થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ડેમમાં 40 બિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહિત થઈ શકશે. ડેમ નિર્માણ કામગીરીમાં વિસ્થાપિત થનારા 14 લાખ લોકોનું પુર્નર્વસન કરવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ચીનના દાવા મુજબ વાર્ષિક 300 બિલિયન કિલોવૉટ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે. ચીન આ પ્રોજેકટ થકી દેશમાં કાર્બન ન્યુટ્રોલિટીના લક્ષ્ય હાંસલ કરવા માગે છે. એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીમાં તેજી આવવાની સાથે તિબેટમાં વિપુલ રોજગારીનું સર્જન થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ચીન માટે આ પરિયોજના કેમ આટલી મહત્વની?
થ્રી ગોર્જીસ ડેમને તકનીકી દ્રષ્ટિએ આવનારા સમયની મોટી ક્રાંતિ માનવામાં આવશે. લાખો ઘર અને ઉદ્યોગોને વીજળી પહોંચાડી શકાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
ચીનની પરિયોજના પર NASAનો દાવો
ચીનના આ સૌથી મહત્વકાંક્ષી પ્રોજેકટ પર અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ ખૂબ જ મોટો દાવો કર્યો છે. આ દાવા મુજબ ચીનના થ્રી ગોર્જિયસ ડેમના કારણે આ પૃથ્વીની પરિક્રમાની ગતિ આંશિક ઘટી જશે. ડેમમાં મોટા પ્રમાણમાં પાણી સ્ટોર થવાના કારણે દૈનિક પૃથ્વીની પરિક્રમાની ગતિમાં 0.6 માઈક્રોસેકન્ડનો ઘટાડો થઈ શકે છે. NASAના વૈજ્ઞાનિક બેન્ઝામિન ફોંગ ચાઓએ આ દાવો કર્યો છે.





