Home Gujarat Work In Full Swing For Cm Shramik Basera Yojna In Big Cities In Gujarat Nearly 15 Thousand Labours Will Get The Benifit

શ્રમિકો માટે સૌથી મોટી યોજના : ગાંધીનગરમાં શ્રમિકોને આશ્રય માટે મળશે પાક્કા મકાન, ગરમી હોય ઠંડી હોય કે વરસાદ માત્ર 5 રૂપિયામાં મળશે હંગામી આવાસ

શ્રમિકો માટે સૌથી મોટી યોજના
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2024, 11:32 AM IST

આ વર્ષે જુલાઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના  ચાર મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શ્રમિક બસેરા યોજના અંતર્ગત બાંધકામ પૂરજોશમાં શરૂ કરાયું છે. રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ શ્રમિક બસેરા ઊભા કરવામાં આવશે. યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ પાંચ રૂપિયાના ટોકનદરે હંગામી આવાસ મળશે. શ્રમિક બસેરા તૈયાર થતાં 15 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે.બાંધકામ સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 

શું છે શ્રમિક બસેરા યોજના?

આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પુરી પાડવામાં આવશે. લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં. આ યોજનામાં શ્રમિકોના કડિયાનાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પુરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટલાઈટ, સિક્યોરિટી, મેડીકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા હશે. શ્રમિક બસેરા તૈયાર થતાં શરૂઆતમાં 15 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે.

પોર્ટલ દ્વારા થશે ફાળવણી: 

શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ તથા વડોદરામાં કુલ 17 સાઈટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિવસ પ્રતિશ્રમિકના ટોકન દરેથી, શ્રમિકોને તેમના કામકાજના નજીકના સ્થળે જ મૂળભૂત સુવિધાઓથી સજ્જ પ્રીફેબ્રિકેટેડ આવાસો આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનુ પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી શ્રમિકોને આવાસની ફાળવણી કરવામાં આવશે. 

મહત્વનું છેકે રાજ્ય સરકારે શ્રમિકો માટે રાહતદરે પાંચ રૂપિયામાં ભોજન આપતા 291 અન્નપૂર્ણ ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે. જેમાં અત્યાર સુધીમાં 2.96 કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે. દૈનિક 32000થી વધુ શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવે છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now