દિલ્હી સરકાર રાજધાનીમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે તેની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નીતિ 2.0 ને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નીતિ હેઠળ મહિલાઓને વિશેષ પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે. આ નીતિના ડ્રાફ્ટ અનુસાર, પ્રથમ 10,000 પાત્ર મહિલા ગ્રાહકોને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર મહત્તમ 36,000 રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે.
માહિતી અનુસાર, આ સબસિડી 12,000 રૂપિયા પ્રતિ કિલોવોટ બેટરી ક્ષમતાના દરે આપવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા 36,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પુરૂષ હોય કે સ્ત્રી અન્ય તમામ ગ્રાહકોને 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટના દરે વધુમાં વધુ 30,000 રૂપિયા સુધીની સબસિડી આપવાની જોગવાઈ છે, જે વર્ષ 2030 સુધી લાગુ રહેશે.
જાણો નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2.0 લાવવાનો હેતુ શું છે?
નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2.0નો ઉદ્દેશ્ય દિલ્હીની બગડતી હવાની ગુણવત્તાને નિયંત્રિત કરવાનો અને નાગરિકોને પર્યાવરણને અનુકૂળ પરિવહન વિકલ્પો પ્રદાન કરવાનો છે. TERI ના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય રાજધાનીમાં PM 2.5 પ્રદૂષણમાં વાહનોનો હિસ્સો લગભગ 47 ટકા છે, જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ (NOx) જેવા પ્રદૂષકો માટે આ આંકડો 81 ટકા સુધી જાય છે. આવી સ્થિતિમાં ડીઝલ વાહનોની સરખામણીએ ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સરકાર ટૂંક સમયમાં EV પોલિસી 2.0 જાહેર કરશે
નવી EV નીતિ માત્ર મહિલાઓને પોસાય તેવા પરિવહન વિકલ્પો પ્રદાન કરશે નહીં પરંતુ જાહેર આરોગ્ય પર પણ સકારાત્મક અસર કરશે. ઈલેક્ટ્રિક વાહનો માત્ર પ્રદૂષણમુક્ત નથી, પરંતુ તેમની ઓપરેટિંગ ખર્ચ પણ પરંપરાગત વાહનો કરતાં ઘણી ઓછી છે. સૂત્રોનું કહેવું છે કે દિલ્હી સરકાર આગામી થોડા દિવસોમાં ઈવી પોલિસી 2.0ની ઔપચારિક જાહેરાત કરી શકે છે.






