Wisden Almanack 2026 awards : ક્રિકેટની દુનિયામાં જેને 'બાઈબલ' માનવામાં આવે છે તેવા પ્રતિષ્ઠિત 'વિઝડન એવોર્ડ્સ 2026' ની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે આ એવોર્ડ્સમાં ભારતીય ક્રિકેટરોએ જે સિદ્ધિ મેળવી છે તે જોઈને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જશે. કુલ 9 મુખ્ય એવોર્ડ્સમાંથી 7 એવોર્ડ્સ પર ભારતીય ખેલાડીઓએ કબજો જમાવીને સાબિત કરી દીધું છે કે, અત્યારે વિશ્વ ક્રિકેટમાં ભારતનું જ શાસન છે.
બેસ્ટ મહિલા ક્રિકેટરનો ખિતાબ
મહિલા ક્રિકેટમાં ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઇતિહાસ રચ્યો છે. તેને 'વર્લ્ડની બેસ્ટ વુમન ક્રિકેટર' (લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ) જાહેર કરવામાં આવી છે. 2025 ના વનડે વર્લ્ડ કપમાં દીપ્તિના શાનદાર પરફોર્મન્સ અને ટીમને જીતાડવામાં તેના મહત્વના ફાળાને કારણે તેને આ સન્માન મળ્યું છે. બીજી તરફ, પુરુષોમાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કને બેસ્ટ મેન્સ ક્રિકેટર જાહેર કરાયો છે.
ટોપ 5 માં ભારતીયોનો દબદબો
વિઝડન દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા 'ટોપ 5 ક્રિકેટર્સ ઓફ ધ યર' ના લિસ્ટમાં આ વખતે પૂરેપૂરું ભારત છવાયેલું છે. આ 5 માંથી 4 ખેલાડીઓ ભારતીય છે. જેમાં શુભમન ગિલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુવા બેટ્સમેન અભિષેક શર્માને તેની આક્રમક બેટિંગ માટે 'મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
શુભમન ગિલનું શાનદાર પરફોર્મન્સ
ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની પહેલી જ સિરીઝમાં શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને આખી સિરીઝમાં 754 રન બનાવીને રેકોર્ડ સ્થાપ્યો છે. એજબેસ્ટન ટેસ્ટમાં તેની 269 અને 161 રનની ઇનિંગ્સે વિઝડન એડિટર્સના દિલ જીતી લીધા હતા, જેના માટે તેને ખાસ 'વિઝડન ટ્રોફી' થી પણ નવાજવામાં આવ્યો છે.
ઋષભ પંતની નીડર બેટિંગ
ઋષભ પંત માટે પણ આ વર્ષ યાદગાર રહ્યું છે. ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તેની ફિયરલેસ બેટિંગની ચર્ચાઓ આખા વિશ્વમાં થઈ હતી. હેડિંગ્લી ટેસ્ટમાં તેને બંને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી હતી. ખાસ વાત એ છે કે, ઈજાગ્રસ્ત હોવા છતાં તેને રમેલી મેચ વિનિંગ ઇનિંગ્સને કારણે તેને વિઝડનના ટોપ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.





