Windfall tax: વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં આવી રહેલા અભૂતપૂર્વ ઉછાળા અને ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો અને મોટો નીતિગત નિર્ણય લીધો છે. સરકારે દેશમાંથી નિકાસ થતા પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.3ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) એટલે કે 'વિન્ડફોલ ટેક્સ' લાગુ કરી દીધો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, આ નવા દરો આજથી એટલે કે 16 મે 2026થી જ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે. બીજી તરફ, સરકારે સ્થાનિક રિફાઇનર્સ અને નિકાસકારોને સંતુલન પૂરું પાડવા માટે મોટી રાહત પણ આપી છે. વિદેશ મોકલવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ (ATF) પરના નિકાસ શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક બજારમાં ઈંધણની અછત ન સર્જાય અને કંપનીઓ વૈશ્વિક કટોકટીનો અયોગ્ય ફાયદો ન ઉઠાવે તે સુનિશ્ચિત કરવાનો છે.
ડીઝલ અને વિમાન ઈંધણ (ATF) પર ટેક્સમાં ધરખમ ઘટાડો
સરકાર દ્વારા જારી કરાયેલા નવા સુધારા મુજબ, નિકાસ થતા ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી રૂ.23 પ્રતિ લિટરથી સરસ મજાનો ઘટાડો કરીને ₹16.5 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે હવાઈ જહાજોમાં વપરાતા ઈંધણ પરની ડ્યુટીમાં પણ મોટો કાપ મૂકાયો છે, જેને રૂ.33થી ઘટાડીને સીધી રૂ.16 પ્રતિ લિટર કરી દેવાઈ છે. રાહતની વાત એ પણ છે કે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર લાગતા રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC)ને હાલ પૂરતો શૂન્ય રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 5 દેશોના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી : 1000 રૂપિયાની કયા દેશમાં છે સૌથી વધુ વેલ્યૂ?
સામાન્ય જનતાના ખિસ્સા પર શું અસર થશે? જાણો રાહતના સમાચાર
મધ્યમ વર્ગ અને સામાન્ય ગ્રાહકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર એ છે કે સરકારના આ નિર્ણયની સ્થાનિક બજાર પર કોઈ જ નકારાત્મક અસર નહીં પડે.
કોઈ ભાવ વધારો નહીં: દેશની અંદર સામાન્ય જનતા માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી ભારતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવ વધશે નહીં અને સામાન્ય માણસનું બજેટ સુરક્ષિત રહેશે.
મિડલ ઈસ્ટ સંકટ અને $100ને પાર પહોંચેલું ક્રૂડ ઓઈલ છે મુખ્ય કારણ
બજારના નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા ગંભીર સૈન્ય સંકટને કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો હતો. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલી સૈન્ય કાર્યવાહી બાદ વૈશ્વિક સ્તરે તેલના સપ્લાય ચેઈનને મોટો ફટકો પડ્યો છે. પરિણામે, જે ક્રૂડ ઓઈલ યુદ્ધ પહેલા પ્રતિ બેરલ $73ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું, તે હવે $100 પ્રતિ બેરલની સપાટીને પાર કરી ગયું છે. આવી સ્થિતિમાં દેશની ખાનગી રિફાઇનરીઓ સ્થાનિક બજારને બદલે વિદેશમાં મોંઘા ભાવે પેટ્રોલ વેચીને અતિશય નફો (Windfall Profit) ન કમાય અને દેશમાં ઈંધણનો પૂરતો પુરવઠો જળવાઈ રહે, તે માટે સરકારે આ માસ્ટરસ્ટ્રોક માર્યો છે.





