પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પાંચ દેશોનો મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ માત્ર રાજનૈતિક સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ નથી, પરંતુ બદલાતી વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રમાં ભારતની વધતી અસર દર્શાવવાનો મોટો સંદેશ પણ છે. 15 થી 20 મે દરમિયાન યોજાનાર આ પ્રવાસમાં PM મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE) ઉપરાંત નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા મહત્વપૂર્ણ યુરોપિયન દેશોની મુલાકાત લેશે. આ દરમિયાન એક રસપ્રદ પ્રશ્ન સામાન્ય ભારતીયોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે, આખરે વિદેશી કરન્સી સામે ભારતીય 1000 રૂપિયાની વેલ્યૂ કેટલી છે?
UAEથી શરૂ થશે મોદીનો વિદેશ પ્રવાસ
પ્રધાનમંત્રી મોદીનો પ્રથમ સ્ટોપ સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE રહેશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન જાયેદ અલ નાહયાન સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. ભારત અને UAE વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રે સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. UAE હાલમાં ભારતનો ત્રીજો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ગણાય છે. ઉપરાંત ત્યાં વસતા આશરે 45 લાખ ભારતીયો બંને દેશો વચ્ચેનું સૌથી મજબૂત માનવીય જોડાણ છે. આ મુલાકાત દરમિયાન વેપાર, ડિજિટલ અર્થતંત્ર, એનર્જી અને સ્ટ્રેટેજિક ભાગીદારી અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે. જો કરન્સીની વાત કરીએ તો હાલમાં ભારતીય 1000 રૂપિયા UAE માં લગભગ 38.37 દિરહમ જેટલા બને છે. ભારતીયો માટે UAE હંમેશા નોકરી અને વેપારની દ્રષ્ટિએ આકર્ષક રહ્યું છે, પરંતુ દિરહમ સામે રૂપિયા હજુ પણ નબળો માનવામાં આવે છે.
નેધરલેન્ડમાં યુરોની મજબૂતી સામે રૂપિયા નબળો
UAE પછી PM મોદી નેધરલેન્ડની મુલાકાત લેશે. યુરોપના સૌથી વિકસિત દેશોમાં ગણાતા નેધરલેન્ડમાં સત્તાવાર કરન્સી તરીકે યુરો (EUR) નો ઉપયોગ થાય છે. વર્ષ 2002માં ડચ ગિલ્ડરને બદલે યુરો અપનાવવામાં આવ્યો હતો. ભારતીય રૂપિયાની તુલનામાં યુરો ઘણી મજબૂત કરન્સી ગણાય છે. હાલમાં ભારતના 1000 રૂપિયા નેધરલેન્ડમાં માત્ર 8.96 યુરો જેટલા બને છે. આ તફાવત બંને દેશોની આર્થિક સ્થિતિ, ખરીદ શક્તિ અને વૈશ્વિક નાણાકીય બજારમાં કરન્સીની મજબૂતી સ્પષ્ટ કરે છે. નેધરલેન્ડ ટેક્નોલોજી, કૃષિ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે. ભારત અને નેધરલેન્ડ વચ્ચે વેપાર અને સ્ટાર્ટઅપ સહકાર વધારવા પર પણ ખાસ ધ્યાન રહેશે.
સ્વીડનની અલગ ઓળખ અને ‘સ્વીડિશ ક્રોના’
યુરોપિયન યુનિયનનો ભાગ હોવા છતાં સ્વીડને યુરો સ્વીકાર્યો નથી. અહીં હજુ પણ સ્થાનિક કરન્સી ‘સ્વીડિશ ક્રોના’ (SEK) જ ચાલે છે. સ્વીડન વિશ્વભરમાં ટેક્નોલોજી, ઇનોવેશન અને ગ્રીન એનર્જી માટે ઓળખાય છે. PM મોદીની આ મુલાકાત દરમિયાન સ્વીડનની મોટી ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ પર ખાસ ચર્ચા થવાની શક્યતા છે. ભારત માટે સ્વીડન એક મહત્વપૂર્ણ ઇનોવેશન પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે.
હાલના વિનિમય દર પ્રમાણે ભારતીય 1000 રૂપિયા બદલામાં લગભગ 98.32 સ્વીડિશ ક્રોના મળે છે. યુરોની સરખામણીએ અહીં ભારતીય રૂપિયાની સ્થિતિ થોડું સારી દેખાય છે, છતાં ખરીદ શક્તિના આધારે સ્વીડન હજુ પણ ખર્ચાળ દેશોમાં ગણાય છે.
નોર્વેમાં ઊર્જા અને સસ્ટેનેબિલિટી પર ફોકસ
PM મોદીનો નોર્વે પ્રવાસ ખાસ કરીને ઊર્જા, ગ્રીન ટેક્નોલોજી અને સસ્ટેનેબિલિટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નોર્વે યુરોપિયન યુનિયનનો સભ્ય દેશ નથી અને પોતાની અલગ કરન્સી ‘નોર્વેજિયન ક્રોન’ (NOK)નો ઉપયોગ કરે છે. નોર્વે પાસે તેલ અને કુદરતી ગેસના વિશાળ ભંડાર છે, જેના કારણે દેશની પ્રતિ વ્યક્તિ આવક દુનિયાની સૌથી ઊંચી આવકમાં સામેલ થાય છે. તેની અસર તેની કરન્સીની મજબૂતીમાં પણ જોવા મળે છે. હાલના એક્સચેન્જ રેટ પ્રમાણે ભારતીય 1000 રૂપિયા બદલામાં લગભગ 97.11 નોર્વેજિયન ક્રોન મળે છે. ઊર્જા ક્ષેત્રમાં ભારત અને નોર્વે વચ્ચે સહકાર વધારવા માટે આ મુલાકાતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઇટાલીમાં પણ યુરો સામે રૂપિયાની નબળી સ્થિતિ
મોદી પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલી પહોંચશે. ઇટાલી યુરોઝોનનો ભાગ છે અને અહીં પણ યુરો જ સત્તાવાર કરન્સી છે. વર્ષ 2002 પહેલાં અહીં ‘લીરા’ ચલણમાં હતી, પરંતુ હવે યુરોએ તેનું સ્થાન લીધું છે.
હાલના વિનિમય દર પ્રમાણે ભારતીય 1000 રૂપિયા ઇટાલીમાં પણ લગભગ 8.96 યુરો જેટલા જ બને છે. ઇટાલી ફેશન, લક્ઝરી બ્રાન્ડ્સ, ઓટોમોબાઈલ અને ટૂરિઝમ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારત માટે ઇટાલી રોકાણ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર બની શકે છે. બંને દેશો વચ્ચે વેપાર અને ઈન્ડસ્ટ્રીયલ સહકાર વધારવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.





