સ્માર્ટફોન હાથમાં નહીં હોય તો પણ તમારી દરેક હલનચલન પર રહેશે નજર
ડિજિટલ પ્રાઇવસી અને સર્વેલન્સ (નજર રાખવી)ને લઈને ટેકનોલોજીની દુનિયામાં એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. જર્મનીના કાર્લ્સરૂહે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (Karlsruhe Institute of Technology) ના સંશોધકોએ દાવો કર્યો છે કે, હવે તમારા ઘરમાં કે જાહેર સ્થળોએ લાગેલા સાધારણ વાઇ-ફાઇ રાઉટર પણ તમારી જાસૂસી કરી શકે છે. આ ટેકનિક એટલી એડવાન્સ છે કે વ્યક્તિ પાસે સ્માર્ટફોન કે સ્માર્ટવોચ ન હોય, તો પણ તે માત્ર તેની ચાલ પરથી તેનું આખું ચિત્ર બનાવી લે છે.
ફોન વગર કેવી રીતે ટ્રેક કરે છે આ ટેકનોલોજી?
જર્મનીના સાયન્ટિસ્ટ્સે આ નબળાઈ શોધવા માટે ‘BFID’ (બીએફઆઇડી) નામની ખાસ હેકિંગ પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિ વાઇ-ફાઇના એક સામાન્ય ફીચર ‘બીમફોર્મિંગ ફીડબેક ઇન્ફોર્મેશન’ (BFI) નો દુરુપયોગ કરે છે. વાઇ-ફાઇ 5 (Wi-Fi 5) અને ત્યાર પછીના આધુનિક રાઉટર્સમાં આ ફીચર એટલા માટે આપવામાં આવ્યું હતું જેથી ઇન્ટરનેટ સિગ્નલનું પરફોર્મન્સ બહેતર થઈ શકે.
પરંતુ, આ સિગ્નલ કોઈપણ એન્ક્રિપ્શન (સુરક્ષા લોક) વગર સતત હવામાં તરતા રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ રૂમમાં ચાલે છે, ત્યારે આ રેડિયો તરંગોમાં અવરોધ ઊભો થાય છે. આ અવરોધને નજીક રહેલું અન્ય કોઈ પણ વાઇ-ફાઇ ડિવાઇસ ગુપ્ત રીતે કેપ્ચર કરી લે છે.
AI ની મદદથી 99.5% સચોટતાથી ઓળખ શક્ય
સંશોધકોએ આ વાઇ-ફાઇ ડેટાને મશીન લર્નિંગ અને AI મોડલ્સ સાથે જોડીને માનવીય હલનચલનની 'રેડિયો ઇમેજીસ' (Radio Images) તૈયાર કરી છે. આ પ્રક્રિયા બરાબર કેમેરાની જેમ જ કામ કરે છે, પરંતુ અહીં પ્રકાશને બદલે રેડિયો તરંગોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવામાં આવે છે.
અત્યાર સુધી 197 લોકો પર કરવામાં આવેલા ટેસ્ટમાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમે 99.5% ની અદભુત ચોકસાઈ સાથે લોકોને તેમની ચાલવાની શૈલી અને બોડી સ્ટ્રક્ચર (શરીરના બંધારણ) પરથી ઓળખી બતાવ્યા છે.
આ પણ વાંચો: સમય બચાવવા માટે કોર્પોરેટ વર્લ્ડનો નવો AI ટ્રેન્ડ | CEO ના AI ક્લોન આપશે કર્મચારીઓને જવાબ | Offbeat Stories
પત્રકારો અને સામાન્ય લોકોની પ્રાઇવસી પર મોટો ખતરો
જોકે, વાઇ-ફાઇ ડેટા સીધું તમારું નામ નથી જણાવતો, પરંતુ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે હુમલાખોરો આ ટ્રેકિંગ ડેટાને તમારા જૂના સ્માર્ટફોન રેકોર્ડ અથવા લોકેશન હિસ્ટ્રી સાથે લિંક કરીને સરળતાથી તમારી સંપૂર્ણ ઓળખ મેળવી શકે છે.
સૌથી મોટો ખતરો એ છે કે સાર્વજનિક સ્થળો, મોલ કે ઓફિસમાં તમને ખબર પણ નહીં પડે અને કોઈ તમારી દરેક ગતિવિધિને સાયલન્ટલી મોનિટર કરી રહ્યું હશે. રાજકીય કાર્યકરો, પત્રકારો અને પ્રદર્શનકારીઓ માટે આ ટેકનિક ભવિષ્યમાં સૌથી મોટો ખતરો બની શકે છે.
આ સાયબર ખતરાથી બચવાનો શું ઉપાય છે?
સંશોધકોએ વૈશ્વિક ટેક સંસ્થાઓ અને રેગ્યુલેટર્સને અપીલ કરી છે કે તેઓ ભવિષ્યના વાઇ-ફાઇ નેટવર્કમાં મજબૂત પ્રાઇવસી પ્રોટેક્શન અને ડેટા એન્ક્રિપ્શન ફરજિયાતપણે લાગુ કરે. જ્યાં સુધી વૈશ્વિક સ્તરે વાઇ-ફાઇ સિગ્નલોને એન્ક્રિપ્ટ કરવામાં ન આવે, ત્યાં સુધી સાર્વજનિક વાઇ-ફાઇ (Public Wi-Fi) નો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવચેત રહેવું અને તમારા હોમ રાઉટરને સુરક્ષા નબળાઈઓથી બચાવવા માટે તેના સોફ્ટવેર (ફર્મવેર) ને સતત અપડેટ કરતા રહેવું એ જ એકમાત્ર ઉપાય છે.





