ભારતમાં શાળામાં પ્રવેશ લેનારી દીકરીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ ધોરણ 9 અને 10 સુધી પહોંચતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ અધવચ્ચે છોડતી હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયના UDISE+ (Unified District Information System for Education Plus)ના આંકડા અને તાજેતરના વિશ્લેષણ મુજબ, માધ્યમિક શિક્ષણ દેશની શૈક્ષણિક વ્યવસ્થાની સૌથી નબળી કડી બની રહ્યું છે. ખાસ કરીને ગરીબ અને સામાજિક રીતે વંચિત પરિવારોની દીકરીઓ માટે ધોરણ 8 પછી અભ્યાસ ચાલુ રાખવો વધુ મુશ્કેલ બની જાય છે.
વિશ્લેષણ મુજબ, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીઓને શાળામાં જાળવી રાખવાનો પડકાર હજુ યથાવત છે. શિક્ષણના આ તબક્કે આર્થિક સંજોગો, પરિવારમાં આવક વધારવાની જરૂરિયાત, ઘરકામની જવાબદારી અને સામાજિક દબાણ જેવા અનેક પરિબળો ભણતર વચ્ચે અવરોધરૂપ બને છે.
આ પણ વાંચો: રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં હાઇકોર્ટના મહત્વના આદેશ : CCTV માં નગ્ન હાલતમાં દેખાવા મુદ્દે તપાસનો નિર્દેશ
ઘરકામ અને આર્થિક સંજોગો બને છે મોટો અવરોધ
અહેવાલ મુજબ, આર્થિક રીતે નબળા પરિવારોમાં દીકરીઓ પર ઘરકામ, નાના ભાઈ-બહેનોની સંભાળ અને અન્ય પારિવારિક જવાબદારીઓનું ભારણ વધુ રહે છે. પરિણામે ઘણી વિદ્યાર્થિનીઓને નિયમિત શાળામાં જવાનું શક્ય બનતું નથી. કેટલાક વિસ્તારોમાં બાળલગ્ન, સામાજિક માન્યતાઓ અને સુરક્ષાની ચિંતાઓ પણ અભ્યાસ છોડવાનું કારણ બને છે.
વિશ્લેષણમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ભારતનો શિક્ષણનો અધિકાર કાયદો (RTE) માત્ર 6થી 14 વર્ષની વય સુધી મફત અને ફરજિયાત શિક્ષણની જ ખાતરી આપે છે. એટલે કે ધોરણ 8 પછી અનેક પરિવારો માટે શિક્ષણનો ખર્ચ વધે છે અને તેની સીધી અસર ગરીબ પરિવારોના બાળકો, ખાસ કરીને દીકરીઓ પર પડે છે.
આ પણ વાંચો: મહીસાગરમાં મોટી કાર્યવાહી : કડાણાના માલવણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જોશનાબેન સોલંકી પદભ્રષ્ટ, નાણાકીય ગેરરીતિના આક્ષેપો સાબિત
માધ્યમિક શાળાઓની અછત પણ એક કારણ
નિતિ આયોગના વિશ્લેષણમાં જણાવાયું છે કે દેશમાં પ્રાથમિક શાળાઓની સરખામણીએ માધ્યમિક શાળાઓની સંખ્યા ઘણી ઓછી છે. પરિણામે ધોરણ 8 પછી વિદ્યાર્થીઓને બીજી શાળામાં પ્રવેશ લેવો પડે છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મુશ્કેલ બને છે. લાંબું અંતર, પરિવહનની સમસ્યા અને સુરક્ષાની ચિંતાઓ પણ ખાસ કરીને વિદ્યાર્થિનીઓના અભ્યાસ પર અસર કરે છે.
વિશ્લેષણમાં શાળાઓના વિલીનીકરણ અને કેટલીક સરકારી શાળાઓ બંધ થવાના કારણે પણ વિદ્યાર્થીઓ માટે શાળા સુધી પહોંચવાનું અંતર વધ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોપઆઉટનું જોખમ વધારી શકે છે.
આ પણ વાંચો: ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ : વેપારીને છરી બતાવી ₹2 લાખની ખંડણી માગનારા 4 બદમાશોને ઘોઘારોડ પોલીસે દબોચ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ!
દીકરીઓને શિક્ષણમાં જાળવી રાખવા ભલામણો
શૈક્ષણિક નિષ્ણાતોએ દીકરીઓના ડ્રોપઆઉટ ઘટાડવા માટે અનેક સૂચનો આપ્યા છે. તેમાં ધોરણ 12 સુધી મફત શિક્ષણની વ્યવસ્થા મજબૂત બનાવવી, આર્થિક રીતે નબળા પરિવારોને વધુ શિષ્યવૃત્તિ અને સહાય આપવી, માધ્યમિક શાળાઓ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવી અને જોખમ હેઠળના વિદ્યાર્થીઓને વહેલી તકે ઓળખી સહાય પૂરી પાડવા માટે "અર્લી વોર્નિંગ સિસ્ટમ" વિકસાવવાની ભલામણ કરવામાં આવી છે.
શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે માત્ર શાળામાં પ્રવેશ વધારવો પૂરતો નથી, પરંતુ વિદ્યાર્થીઓ - ખાસ કરીને દીકરીઓ - ધોરણ 10 અને 12 સુધી સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરે તે માટે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તરે સંકલિત પ્રયાસોની જરૂર છે.





