આજના સમયમાં ઈન્ટરનેટ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. પરંતુ શું ક્યારેય તમારા મનમાં એ સવાલ થયો છે કે આખી દુનિયાને જોડી રાખતા આ ઈન્ટરનેટનો માલિક કોણ છે? હકીકતમાં આ કોઈ એક વ્યક્તિ કે દેશની જાગીર નથી. સ્ક્રીન પર દેખાતી દુનિયાની પાછળ કેબલ્સ, વિશાળ ડેટા સેન્ટર્સ અને અનેક ખાનગી કંપનીઓની એક ખૂબ જ જટિલ Global Supply Chain કામ કરે છે.
ઈન્ટરનેટ પર કોઈ એક સંસ્થાનું શાસન નથી
ઈન્ટરનેટ કોઈ એક સરકારી તંત્ર કે કોઈ ચોક્કસ કંપનીના માલિકી હક હેઠળ નથી. તે હજારો નાના-મોટા નેટવર્ક્સનું બનેલું એક વૈશ્વિક માળખું છે, જે સ્વેચ્છાએ એકબીજા સાથે જોડાયેલા છે. ઈન્ટરનેટના અલગ-અલગ હિસ્સાઓ જેમ કે કેબલ્સ, સર્વર્સ અને ડેટા સેન્ટર્સ પર અલગ-અલગ કંપનીઓની માલિકી હોય છે. ટૂંકમાં કહીએ તો, કોઈ પણ એક ઓથોરિટી આખા સિસ્ટમને કંટ્રોલ કરી શકતી નથી.
Tier 1 નેટવર્ક પ્રોવાઈડર્સ: ઈન્ટરનેટના પાયાના ખેલાડી
ઈન્ટરનેટની વ્યવસ્થામાં સૌથી ઉપર Tier 1 નેટવર્ક પ્રોવાઈડર્સ આવે છે. આ એવી કંપનીઓ છે જેણે સમુદ્રના પેટાળમાં હજારો કિલોમીટર લાંબા Fiber Optic Cables બિછાવ્યા છે અને એક ખંડને બીજા ખંડ સાથે જોડ્યા છે. આ કંપનીઓ કોઈને ચાર્જ ચૂકવ્યા વિના સીધો ટ્રાફિક એક્સચેન્જ કરે છે. જેમાં Google, Meta, Microsoft, Amazon અને ભારતની Tata Communications જેવી મોટી કંપનીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે.
Tier 2 અને Tier 3 પ્રોવાઈડર્સનું કામ
Tier 2 પ્રોવાઈડર્સ આ Tier 1 નેટવર્ક પાસેથી બેન્ડવિડ્થ ખરીદે છે અને તેને રાષ્ટ્રીય સ્તરે વિતરિત કરે છે. ભારતમાં Reliance Jio, Bharti Airtel, Vodafone Idea અને BSNL જેવી કંપનીઓ આ શ્રેણીમાં આવે છે. અંતે, Tier 3 પ્રોવાઈડર્સ એટલે કે તમારા સ્થાનિક ઈન્ટરનેટ ઓપરેટર્સ આ કનેક્ટિવિટી યુઝર્સ સુધી પહોંચાડે છે. આ લોકલ ઓપરેટર્સ Tier 2 કંપનીઓ પાસેથી ડેટા ખરીદીને વાયરલેસ કે કેબલ દ્વારા તમારા ઘર સુધી ઈન્ટરનેટ લાવે છે.
સમુદ્રમાં રહેલા કેબલ્સ છે ઈન્ટરનેટની લાઈફલાઈન
દુનિયાનો અંદાજે 99% ડેટા ટ્રાફિક સમુદ્રની અંદર રહેલા સબમરીન ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા પસાર થાય છે. આ કેબલ્સ દરિયાકાંઠે આવેલા લેન્ડિંગ સ્ટેશન્સ પર સમાપ્ત થાય છે. ભારતમાં મુંબઈ, ચેન્નાઈ અને કોચી મુખ્ય લેન્ડિંગ પોઈન્ટ્સ છે. જો સમુદ્રમાં એક પણ મહત્વનો કેબલ કપાઈ જાય, તો અનેક દેશોમાં ઈન્ટરનેટ સેવા ઠપ થઈ શકે છે.
નિયમો અને ડેટા સેન્ટર્સની ભૂમિકા
જ્યારે ડેટા આ કેબલ્સ દ્વારા પસાર થાય છે, ત્યારે તેને મોટા Data Centers માં સ્ટોર અને પ્રોસેસ કરવામાં આવે છે. ઈન્ટરનેટના સંચાલન માટેના ટેકનિકલ નિયમો ICANN અને IETF જેવી નોન-પ્રોફિટ સંસ્થાઓ નક્કી કરે છે. આ સંસ્થાઓ ખાતરી કરે છે કે વિશ્વભરના નેટવર્ક્સ એકબીજા સાથે સરળતાથી વાતચીત કરી શકે અને ઈન્ટરનેટ વ્યવસ્થા ચાલુ રહે.





















