CBSE OSM Investigation: CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે CBSEના ટોચના અધિકારીઓમાં ફેરફાર કર્યા છે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિની અધ્યક્ષતા નિવૃત્ત IAS અધિકારી રાધા ચૌહાણ કરશે. શિક્ષણ, વહીવટ અને નીતિ નિર્માણ ક્ષેત્રે લાંબા અનુભવને કારણે કેન્દ્ર સરકારે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સમિતિને જરૂર પડે તો અન્ય વિભાગોના નિષ્ણાતોની મદદ લેવાની પણ મંજૂરી આપવામાં આવી છે અને એક મહિનાની અંદર તપાસ અહેવાલ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કોણ છે રાધા ચૌહાણ?
રાધા ચૌહાણ ઉત્તર પ્રદેશ કેડરના 1988 બેચના IAS અધિકારી રહ્યા છે. તેઓ 30 જૂન, 2025ના રોજ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT)ના સચિવ પદેથી નિવૃત્ત થયા હતા. સરકારી સેવાઓ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી છે. નિવૃત્તિ બાદ કેન્દ્ર સરકારે તેમને કેપેસિટી બિલ્ડિંગ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. આ પદ પર રહી તેઓ સરકારી અધિકારીઓના પ્રશિક્ષણ અને વહીવટી ક્ષમતા વિકાસ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો લે છે.
શિક્ષણ અને વહીવટી ક્ષેત્રમાં વિશાળ અનુભવ
રાધા ચૌહાણે પોતાના લાંબા વહીવટી કારકિર્દીમાં શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, મહિલા અને બાળ વિકાસ, શહેરી વિકાસ તથા સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. તેઓ ગાઝિયાબાદના કમિશનર, નોઇડા ઓથોરિટીના CEO, ગ્રેટર નોઇડાના ડેપ્યુટી CEO તેમજ બુલંદશહેર, પીલીભીત, આગ્રા અને મેરઠ જેવા જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને એડિશનલ કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
શિક્ષણ મંત્રાલયમાં પણ સંભાળી હતી મહત્વની જવાબદારી
વર્ષ 2011થી 2015 દરમિયાન રાધા ચૌહાણે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયના સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કામગીરી કરી હતી. ઉપરાંત તેઓ નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD)ના ચેરપર્સન અને CEO તરીકે પણ રહી ચૂક્યા છે. શિક્ષણ અને ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રનો તેમનો અનુભવ CBSE OSM મામલાની તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
OSM સિસ્ટમને લઈને કેમ થયો વિવાદ?
તાજેતરમાં CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ (OSM) સામે વિદ્યાર્થીઓ અને વાલીઓએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષામાં અપેક્ષા મુજબના ગુણ મળ્યા નથી અને માર્કિંગ પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મામલો ગંભીર બનતા કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો અને CBSEના તત્કાલીન અધ્યક્ષ રાહુલ સિંહ તથા સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરી. સાથે જ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે રાધા ચૌહાણની અધ્યક્ષતામાં વિશેષ સમિતિની રચના કરવામાં આવી.
આ પણ વાંચો:GSEB ધોરણ-10 અને ધોરણ-12 પૂરક પરીક્ષા-2026 ની હોલ ટિકિટ જાહેર: જાણો હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી
એક મહિનામાં આવશે તપાસ રિપોર્ટ
કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિને OSM સિસ્ટમના તમામ પાસાઓની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓની ફરિયાદો, માર્કિંગ પ્રક્રિયા, ટેકનિકલ વ્યવસ્થા અને પારદર્શિતાના મુદ્દાઓની તપાસ કર્યા બાદ સમિતિ પોતાની ભલામણો સાથે એક મહિનામાં રિપોર્ટ રજૂ કરશે. હવે સમગ્ર દેશની નજર આ તપાસ પર છે, કારણ કે તેની અસર ભવિષ્યમાં CBSEની પરીક્ષા અને મૂલ્યાંકન પદ્ધતિમાં મોટા ફેરફારો લાવી શકે છે.





