ક્વીન્સ, ન્યૂયોર્કમાં 14 જૂન, 1946ના રોજ મેરી અને ફ્રેડ ટ્રંપના ઘરે જન્મેલા ડોનાલ્ડ એક સફળ રિયલ એસ્ટેટ ડેવલપર છે. ડોનાલ્ડ ટ્રંપ પાંચ ભાઈ-બહેનોમાં ચોથા છે. તેમણે 1968માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ખાતે વોર્ટન સ્કૂલ ઓફ ફાઇનાન્સ એન્ડ કોમર્સમાંથી ફાઇનાન્સમાં ડિગ્રી મેળવી.
1971માં તેમના પિતાની કંપની સંભાળ્યા બાદ, તેમણે તેનું નામ બદલીને ટ્રંપ ઓર્ગેનાઈઝેશન રાખ્યું અને ટૂંક સમયમાં જ હોટેલ્સ, રિસોર્ટ્સ, રિયલ એસ્ટેટ, કેસિનો અને ગોલ્ફ કોર્સ જેવા પ્રોજેક્ટ્સમાં બિઝનેસનો વિસ્તાર કર્યો. 2004માં 'ધ એપ્રેન્ટિસ' સાથે રિયાલિટી ટીવીમાં પણ તે આવ્યા જેમા તેમણે અમેરિકામાં ઘર-ઘરમાં તેમનું નામ બનાવ્યું હતું.
ટ્રંપે ચેક એથ્લેટ અને મોડલ ઇવાના ઝેલનિકોવા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 1990માં તેમના છૂટાછેડા થઈ ગયા. ઈવાના સાથે તેને ત્રણ બાળકો છે - ડોનાલ્ડ જુનિયર, ઈવાન્કા અને એરિક. આ પછી ટ્રંપે 1993માં અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યા, પરંતુ 1999માં તેમની સાથે પણ છૂટાછેડા થઈ ગયા. તેમને એક જ બાળક છે, ટિફની. હાલ ટ્રંપની વર્તમાન પત્ની મેલાનિયા ભૂતપૂર્વ સ્લોવેનિયન મોડલ છે, જેની સાથે તેમણે 2005માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર બેરોન વિલિયમ ટ્રંપ છે.





