Home Health-lifestyle Who First Wrote Ok Word History Origin Interesting Facts

દુનિયાભરમાં વપરાતું ‘OK’ શબ્દ સૌપ્રથમ કોણે લખ્યું? : જાણો કેવી રીતે બન્યો સૌથી લોકપ્રિય શબ્દ

OK Meaning
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jul 08, 2026, 01:45 AM IST

OK Meaning: આજના સમયમાં કદાચ એવો કોઈ દિવસ નહીં હોય જ્યારે આપણે ‘OK’ શબ્દનો ઉપયોગ ન કરતાં હોઈએ. ફોન પર વાત હોય, મેસેજિંગ હોય, ઓફિસનું કામ હોય કે પછી રોજિંદી ચર્ચા—‘OK’ શબ્દ દરેક જગ્યાએ સામાન્ય બની ગયો છે. સહમતિ દર્શાવવી હોય, કોઈ વાત સ્વીકારવી હોય અથવા માત્ર ‘બધું બરાબર છે’ એવો સંકેત આપવો હોય ત્યારે લોકો સહજ રીતે ‘OK’ લખે છે અથવા બોલે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે ‘OK’ શબ્દ આવ્યો ક્યાંથી? શું તેનું કોઈ સંપૂર્ણ સ્વરૂપ (Full Form) છે? અને સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? આશ્ચર્યની વાત એ છે કે વિશ્વનો સૌથી વધુ વપરાતો આ શબ્દ કોઈ વૈજ્ઞાનિક શોધ કે ભાષાકીય નિયમોના આધારે નહીં, પરંતુ એક મજાક અને ખોટી જોડણીમાંથી જન્મ્યો હતો.

1839માં અમેરિકાના અખબારમાં થયો હતો પ્રથમ ઉપયોગ

ભાષાશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ ‘OK’ શબ્દનો ઉદ્ભવ વર્ષ 1839માં થયો હતો. અમેરિકન ભાષાવિદ અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર એલન વોકર રીડે 1960ના દાયકામાં આ શબ્દના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અને તેની રસપ્રદ હકીકત દુનિયા સામે મૂકી. તેમના સંશોધન અનુસાર 23 માર્ચ, 1839ના રોજ અમેરિકાના પ્રસિદ્ધ અખબાર Boston Morning Postમાં પહેલી વખત ‘OK’ શબ્દ છપાયો હતો. તે સમયે અખબારના સંપાદકે ‘All Correct’ શબ્દસમૂહની ઇરાદાપૂર્વક ખોટી જોડણી કરીને તેને ‘Oll Korrect’ તરીકે લખ્યું અને તેનું સંક્ષિપ્ત રૂપ ‘OK’ રજૂ કર્યું હતું.

આ એક પ્રકારનો વ્યંગાત્મક પ્રયોગ હતો, પરંતુ ધીમે-ધીમે તે સામાન્ય વપરાશનો ભાગ બની ગયો.

ખોટી જોડણીમાંથી જન્મ્યો વિશ્વપ્રસિદ્ધ શબ્દ

આજના સમયમાં જેમ સોશિયલ મીડિયા પર LOL, OMG અથવા BTW જેવા શબ્દો ખૂબ લોકપ્રિય છે, તેવી જ રીતે 19મી સદીના અમેરિકામાં પણ શબ્દોને ટૂંકા રૂપમાં લખવાની ફેશન હતી. ખાસ કરીને શિક્ષિત યુવાનો અને બુદ્ધિજીવીઓ મનોરંજન માટે શબ્દોની જોડણી ઇરાદાપૂર્વક ખોટી લખતા અને તેને સંક્ષિપ્ત સ્વરૂપ આપતા હતા. તે સમયગાળામાં ‘All Correct’ને ‘Oll Korrect’ તરીકે લખવામાં આવ્યું અને ત્યારબાદ ‘OK’ શબ્દ પ્રચલિત થયો. શરૂઆતમાં આ માત્ર રમૂજ હતી, પરંતુ પછી તે લોકપ્રિય ભાષાનો અભિન્ન હિસ્સો બની ગયો.

આ પણ વાંચો: આ દેશમાં ₹100ની કિંમત છે લગભગ 13,000... : માત્ર 3 કલાકની ફ્લાઇટ અને સસ્તી લક્ઝરી હોટેલ સાથે ઓછા ખર્ચે પૂરું કરો વિદેશ ફરવાનું સપનું


ચાર્લ્સ ગોર્ડન ગ્રીનને માનવામાં આવે છે ‘OK’ના સર્જક

ભાષા નિષ્ણાત એલન મેટકાફે પોતાની પુસ્તક OK: The Improbable Story of America's Greatest Wordમાં ઉલ્લેખ કર્યો છે કે Boston Morning Postના સંપાદક ચાર્લ્સ ગોર્ડન ગ્રીન જ સંભવતઃ ‘OK’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર વ્યક્તિ હતા. ગ્રીન તેમના વ્યંગાત્મક લેખો અને અન્ય અખબારો પર કટાક્ષ કરવા માટે જાણીતા હતા. માનવામાં આવે છે કે તેમણે જ આ શબ્દને લોકપ્રિય બનાવવાની શરૂઆત કરી હતી.

1840ની ચૂંટણીથી મળ્યો વૈશ્વિક પ્રચાર

‘OK’ શબ્દને સાચી ઓળખ વર્ષ 1840ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન મળી હતી. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ માર્ટિન વાન બ્યુરન ફરીથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમનો જન્મ ન્યૂયોર્કના કિન્ડરહૂક શહેરમાં થયો હતો અને તેઓ ‘Old Kinderhook’ નામથી પણ ઓળખાતા હતા.

તેમના સમર્થકોએ ચૂંટણી અભિયાન દરમિયાન ‘OK Clubs’ બનાવ્યા અને ‘OK’ને પ્રચાર સૂત્ર તરીકે અપનાવ્યું. અહીં ‘OK’નો અર્થ ‘Old Kinderhook’ પણ થતો હતો. આ રીતે ‘OK’ શબ્દને એક નવો રાજકીય અર્થ મળ્યો અને તે અમેરિકાભરમાં ઝડપથી પ્રસિદ્ધ બન્યો.

વિરોધીઓએ પણ કર્યો ‘OK’નો ઉપયોગ

રસપ્રદ વાત એ છે કે વાન બ્યુરનના વિરોધીઓએ પણ ‘OK’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અલગ અર્થમાં. તેમણે દાવો કર્યો કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્રૂ જેક્સનની જોડણી ખૂબ નબળી હતી અને તેઓ ‘All Correct’ને ‘Oll Korrect’ તરીકે લખતા હતા. આ વાતનો કોઈ ઐતિહાસિક પુરાવો મળતો નથી, છતાં આ કિસ્સો તે સમયના રાજકીય પ્રચારનો ભાગ બની ગયો હતો.

આ પણ વાંચો: ચોમાસામાં વધે છે સર્પદંશનું જોખમ : ડૉક્ટરે આપી જીવન બચાવતી સલાહ, જાણો લો ખૂબ કામ આવશે!

આજે દુનિયાનો સૌથી વધુ વપરાતો શબ્દ

1840ની ચૂંટણી બાદ ‘OK’ શબ્દ અમેરિકાની રોજિંદી ભાષાનો ભાગ બની ગયો અને ધીમે-ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાયો. આજે ‘OK’ લગભગ દરેક ભાષામાં સમજાતો શબ્દ બની ગયો છે. ભલે વ્યક્તિ અંગ્રેજી બોલતી ન હોય, છતાં ‘OK’નો અર્થ દુનિયાભરમાં લગભગ એકસરખો જ માનવામાં આવે છે—અર્થાત્ ‘બરાબર’, ‘સ્વીકાર્યું’ અથવા ‘બધું ઠીક છે’. ભાષાશાસ્ત્રીઓના મત મુજબ, ‘OK’ આજે વિશ્વનો સૌથી વધુ ઓળખાતો અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતો શબ્દ ગણાય છે, જેની શરૂઆત એક નાનકડા અખબારી મજાકથી થઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now