દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ પદે રહેતા 'કેશ કાંડ'ને કારણે ચર્ચામાં આવેલા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે લોકસભામાં 'મહાભિયોગ'નો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે. પરંતુ જે મહાભિયોગ પ્રક્રિયાનો ઉલ્લેખ થઈ રહ્યો છે...તે મહાભિયોગ શું છે ? કોના વિરુદ્ધ ચલાવાવમાં આવે છે ? અને તેની સમગ્ર પ્રક્રિયા શું છે? આવો, તમને સરળ શબ્દોમાં સમજાવીએ.
સૌથી પહેલો પ્રશ્ન - મહાભિયોગ શું છે?
મહાભિયોગ એ કાનૂની અને બંધારણીય પદ્ધતિ છે જેના દ્વારા દેશના ઉચ્ચ અધિકારીઓ જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અથવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને તેમના પદ પરથી દૂર કરી શકાય છે.
જો આવા કોઈ અધિકારી પર ગંભીર ગેરરીતિ, ભ્રષ્ટાચાર અથવા બંધારણના ઉલ્લંઘનનો આરોપ હોય, તો તેમને દૂર કરવા માટે સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ન્યાયાધીશો માટે જ મહાભિયોગ શા માટે?
કારણ કે આ બંધારણીય પદ છે. આ અધિકારીઓ ભારતના બંધારણ દ્વારા બનાવવામાં આવેલા સર્વોચ્ચ અને સૌથી મહત્વપૂર્ણ પદો ધરાવે છે. તેમની ચૂંટણી, કાર્યકાળ, સત્તાઓ અને જવાબદારીઓ પણ બંધારણમાં નક્કી કરવામાં આવી છે. તેઓ સામાન્ય કાયદાથી ઉપર નથી, પરંતુ તેમને ખાસ રક્ષણ આપવામાં આવે છે. આ હોદ્દા પરના લોકો પાસે ઘણી શક્તિ છે, પરંતુ તેમને પુરાવા કે કારણ વગર દૂર કરી શકાતા નથી.
જો તેઓ કંઈક ખોટું કરે છે, તો તેમને દૂર કરવા માટે એક ખાસ અને પારદર્શક પદ્ધતિની જરૂર છે - જે મહાભિયોગ છે. આનું એક કારણ એ છે કે ન્યાયતંત્ર અને રાષ્ટ્રપતિ પદની ગરિમા જળવાઈ રહે.
મહાભિયોગની પ્રક્રિયા શા માટે ખાસ છે?
રાષ્ટ્રપતિ અને ન્યાયાધીશ જેવા હોદ્દા પરના લોકો પાસેથી નિષ્પક્ષ અને પ્રામાણિક હોવાની અપેક્ષા રાખવામાં આવે છે. જો તેમના પર સીધા પોલીસ કેસ અથવા સામાન્ય રીતે કાર્યવાહી કરવામાં આવે, તો તે તેમની સ્વતંત્રતા અને નિષ્પક્ષતાને અસર કરી શકે છે. એટલા માટે તેમને દૂર કરવાની કડક, લાંબી અને ન્યાયી પ્રક્રિયા બનાવવામાં આવી છે જેથી કોઈ પણ સરકાર કે પક્ષ તેમને સરળતાથી દૂર કરી શકે નહીં.
હવે આવો જાણીએ મહાભિયોગ પ્રક્રિયા કેવી રીતે થાય છે.
સૌથી પહેલા નોટિસ આપવામાં આવે છે. જો કોઈ સાંસદને લાગે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અથવા ન્યાયાધીશે ગંભીર ભૂલ કરી છે, તો પહેલા સંસદ સચિવાલયને લેખિત સૂચના આપવામાં આવે છે.
મહાભિયોગ પ્રસ્તાવ પર લોકસભામાં, ઓછામાં ઓછા 100 સાંસદો અને રાજ્યસભામાં, ઓછામાં ઓછા 50 સાંસદોની સહી જરૂરી છે.
કોઈપણ એક ગૃહમાં નોટિસ આપીને પણ મહાભિયોગ પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
પ્રસ્તાવ સ્વીકારવો
નોટિસ પ્રાપ્ત થયા પછી, જે ગૃહમાં નોટિસ આપવામાં આવી હોય તેના સ્પીકર/ચેરમેન પ્રસ્તાવ સ્વીકારવાનો નિર્ણય લે છે.
તપાસ સમિતિની રચના
જ્યારે નોટિસ સ્વીકારવામાં આવે છે, ત્યારે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવે છે. જેમકે જસ્ટીસ વર્મા કેસમાં લોકસભા અધ્યક્ષે 3 સભ્યોની સમિતીની રચના કરી છે.
હવે જાણીએ કે સમિતિનાં 3 સભ્યોમાં કોણ હોઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા કોઈપણ ન્યાયાધીશ
કોઈપણ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ
એક પ્રતિષ્ઠિત ન્યાયવીદ (કાયદા નિષ્ણાત)
જો બંને ગૃહોમાં નોટિસ એકસાથે આપવામાં આવે છે, તો સમિતિની રચના સંયુક્ત રીતે કરવામાં આવે છે.
તપાસ અને સુનાવણી
સમિતિ આરોપોની વિગતવાર તપાસ કરે છે.
પુરાવા, દસ્તાવેજો, સાક્ષીઓની જુબાનીની સમીક્ષા કરવામાં આવે છે.
આરોપી ન્યાયાધીશને પોતાનો બચાવ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવે છે.
રિપોર્ટ તૈયાર કરવો
તપાસ પૂર્ણ થયા પછી, સમિતિ પોતાનો અહેવાલ તૈયાર કરે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવે છે કે આરોપો સાબિત થયા કે નહીં.
જો આરોપો સાબિત થાય છે, તો મહાભિયોગ સાથે આગળ વધવાની ભલામણ કરવામાં આવે છે.
સંસદમાં રિપોર્ટ રજૂ કરવો અને મતદાન
તપાસ સમિતી દ્વારા સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે છે.
બંને ગૃહો ચર્ચા કર્યા બાદ મતદાન કરે છે.
જો બંને ગૃહોમાં ખાસ બહુમતીથી ઠરાવ પસાર થાય છે, તો તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે.
હવે આવે છે રાષ્ટ્રપતિની ભૂમિકા
રાષ્ટ્રપતિ ઔપચારિક આદેશ જારી કરીને વ્યક્તિને પદ પરથી દૂર કરે છે.
રાષ્ટ્રપતિ તેને માફ કરી શકતા નથી કે ઠરાવ રોકી શકતા નથી.
તો પછી માનો કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ જ જો મહાભિયોગ પ્રસ્તાવ આવે તો ?
શું રાષ્ટ્રપતિ પોતાનો બચાવ કરી શકે છે?
તો જવાબ છે ના. આ જ પ્રક્રિયા રાષ્ટ્રપતિને પણ લાગુ પડે છે. જો તેમની સામે મહાભિયોગ પસાર થાય છે, તો તેમણે પણ પદ છોડવું પડે છે.
હવે જાણીએ ભારતમાં મહાભિયોગના મુખ્ય કેસ વિશે
જસ્ટિસ વી. રામાસ્વામી (1991 - 93)
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, આરોપો: ભ્રષ્ટાચાર અને અનુશાસનહીનતા.
કોંગ્રેસે મતદાનમાં ભાગ ન લીધો હોવાથી પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહીં.
જસ્ટિસ સૌમિત્ર સેન ( 2009 - 11 )
કલક્તા હાઈકોર્ટનાં ન્યાયાધીશ આરોપ - ધનનો દુરુપયોગ
રાજ્યસભામાં પ્રસ્તાવ પાસ થતા તેમને પદ પરથી રાજીનામું આપી દીધું.
જસ્ટિસ પી.ડી. દિનાકરણ (2009 - 11)
સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, આરોપો: ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ.
તપાસ દરમિયાન તેમણે રાજીનામું આપ્યું, પ્રક્રિયા અટકી ગઈ.
જસ્ટિસ કે.સી.સૌમેયા અને અન્ય મામલામાં તપાસ શરૂ થઈ, પણ મોટાભાગનાં કેસમાં ન્યાયાધીશોએ રાજીનામું આપી દિધુ.
મહાભિયોગ પ્રક્રિયાની કેટલીક વિશેષતાઓ છે, તો સાથે જ તેની આલોચના પણ થતી રહે છે.
સૌથી પહેલા જોઈએ મહાભિયોગની વિશેષતાઓ:
ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવી રાખીને ન્યાયિક નૈતિકતાનું રક્ષણ કરે છે.
આ એક મુશ્કેલ અને ઉચ્ચ સ્તરિય પ્રક્રિયા છે જે બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપને અટકાવે છે.
વિશેષતાઓની સાથે મહાભિયોગની ટીકા પણ થાય છે.
જેમ કે, ભારે રાજકીય બહુમતીની જરૂરિયાતને કારણે મહાભિયોગ પ્રક્રિયા લગભગ નિષ્ક્રિય બની જાય છે.
ઘણી વખત ન્યાયાધીશો તપાસ શરૂ થતાં જ રાજીનામું આપી દે છે, જેનાથી પ્રક્રિયા અધૂરી રહે છે.
સંસદમાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ મહાભિયોગ પ્રક્રિયાને ફક્ત પ્રતીકાત્મક બનાવી દે છે.






