Bengal elections: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો આજે (સોમવાર, 27 એપ્રિલ 2026) છેલ્લો દિવસ છે. આવતીકાલે 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પ્રચારના અંતિમ દિવસે રાજ્યમાં ચૂંટણી પંચની કાર્યવાહી તેજ બની છે. અહેવાલો અનુસાર, બેરકપુર અને જગદ્દલ વિસ્તારોમાં ચૂંટણી પંચની ટીમોએ દરોડા પાડ્યા છે. આ દરોડા પીએમ નરેન્દ્ર મોદીની આજે બેરકપુરમાં યોજાનારી રેલી પહેલા થઈ રહ્યા છે.
દરોડાની વિગતો:
દરોડા IPS ત્રિલોકની દેખરેખ હેઠળ ચાલી રહ્યા છે.
NIAની ટીમ પણ દરોડામાં સામેલ છે.
IPS ચક્રેશ મિશ્રા, IPS રાહુલ સાહુપવાડી, BSFના જવાનો અને અન્ય અધિકારીઓ હાજર છે.
સુરક્ષા અને બોમ્બ વિસ્ફોટની તૈયારી
આ દરમિયાન દક્ષિણ 24 પરગણાના વિજયગંજ માર્કેટ બ્લાસ્ટ કેસમાં NIAએ રવિવારે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. ચૂંટણી પંચે કેન્દ્રીય દળોને બોમ્બ ડિસ્પોઝલ કામગીરી વધુ તીવ્ર બનાવવા અને મતદાન દિવસે કોઈ વિસ્ફોટ ન થાય તેની ખાતરી કરવા સૂચના આપી છે. પોલીસે માજેરહાટ વિસ્તારમાં એક ખાલી ઘરમાંથી શંકાસ્પદ સામગ્રી અને વિસ્ફોટકો પણ રિકવર કર્યા છે. ચૂંટણી પંચે કોલકાતા અને દક્ષિણ 24 પરગણા પોલીસને કડક ચેતવણી આપી છે કે મતદાન વિસ્તારોમાં મતદારોને ડરાવવા કે વિસ્ફોટકોના ઉપયોગ જેવી કોઈ ઘટના બને તો સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: પશ્ચિમી વિક્ષેપથી ગરમીમાં મળશે રાહત : વરસાદની આગાહી
PM મોદીની બેરકપુરમાં રેલી
પ્રથમ તબક્કામાં ભારે મતદાન જોવા મળ્યું હતું. બીજા તબક્કાના મતદાન પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી રહી છે. આજે PM મોદી બેરકપુરમાં રેલી કરશે, જ્યારે અન્ય પક્ષો પણ છેલ્લી ઘડીના પ્રચારમાં જોરશોરથી લાગેલા છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીથી વિસ્તારમાં તંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે.





