ગુજરાતમાં શિયાળો એકદમ જામી ચૂક્યો છે. બીજી તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ ભારે હિમ વર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યમાં ભારે ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં સરેરાશ 10 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. નલિયામાં 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.8 ડિગ્રી, અમદાવાદમાં 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું છે.
આગામી 5 દિવસ ઠંડી યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ઠંડીમાંથી લોકોને રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાય તેવી આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી બીજી તરફ આગામી 48 કલાકમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે. માવઠાની સાથે-સાથે હાડ થીજવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. 14 ફેબ્રુઆરી સુધી ઠંડી સહન કરવી પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર યથવાત રહેશે. ડિસેમ્બર 14થી 19 તારીખ સુધી તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે. 19 તારીખથી તાપમાનનો પારો ફરીથી ઘટશે અને ઠંડીનો એહસાસ વધશે. ડિસેમ્બર મહિનામાં આંશિક રીતે માવઠું પડે એવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ માવઠું અમુક વિસ્તાર પૂરતું મર્યાદિત હોઈ શકે છે. રાજ્યમાં ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો નીચો રહેશે જ્યારે ફેબ્રુઆરીમાં તાપમાન ઠંડુ રહેશે પણ તાપમાન બે મહિનાની સરખામણીએ ઊંચું રહેશે.






