Home International War News America Iran Hormuz Strait Crisis Analysis

Explainer: યુદ્ધવિરામ તોડી ઇરાન પર અમેરિકાનો ફરી બોમ્બમારો : દુનિયા પર તેલનું સંકટ! જાણો અમેરિકા-ઈરાન અથડામણ પાછળનું મોટું ભૂરાજકીય ગણિત

America Iran Conflict
Published by: Bhadreshkumar Mistry
Last Updated: May 08, 2026, 05:50 AM IST

America Iran Conflict: તમામ નિયમોનેવે મૂકીને યુદ્ધવિરામ એટલેકે, સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ફરી એકવાર અમેરિકાએ પોતાના પાવરનો ઉપયોગ કર્યો છે. ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને અમેરિકાએ ઇરાન પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. જેને કારણે હવે મિડલ ઇસ્ટનો આ વિવાદ વધુ તેજ બન્યો છે. જેને કારણે હવે ઈરાને આરોપ લગાવ્યો કે અમેરિકાએ યુદ્ધવિરામ વચ્ચે આ કાર્યવાહી કરી. જોકે, અમેરિકી સેનાએ ઓમાનના અખાતમાં ઈરાની તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા છે. આ પછી ઈરાને કોઈપણ ખચકાટ વિના જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચોઃ દુનિયા પર નવો સ્વાસ્થ્ય ખતરો : ક્રૂઝ શિપ પર 29 મુસાફરો હન્ટાવાયરસની ઝપેટમાં

અમેરિકાના નવા હુમલા, ટ્રમ્પની ચેતવણી, હોર્મુઝમાં ફસાયેલા 1500 જહાજો અને મધ્ય પૂર્વમાં વધી રહેલા સૈન્ય તણાવથી વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસરની આશંકા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. અમેરિકી સેનાએ ઓમાનના અખાત અને હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાન સાથે જોડાયેલા દરિયાઈ વિસ્તારોમાં ફરી હુમલા કર્યા હોવાના દાવા વચ્ચે સમગ્ર મધ્ય પૂર્વમાં અશાંતિ વધી છે.

ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરીને તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા, જ્યારે અમેરિકાએ દાવો કર્યો કે ઈરાન તરફથી તેના યુદ્ધ જહાજો પર હુમલા થયા બાદ જવાબી કાર્યવાહી કરાઈ હતી. આ સમગ્ર સંકટ માત્ર અમેરિકા અને ઈરાન વચ્ચેની સીમિત લડાઈ નથી, પરંતુ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ માટેની વ્યૂહાત્મક જંગ બની ગયું છે. દુનિયાના કુલ તેલ વેપારનો મોટો હિસ્સો આ માર્ગમાંથી પસાર થાય છે. તેથી અહીં થતી કોઈપણ અથડામણ સીધી વૈશ્વિક બજારો, તેલના ભાવ અને સપ્લાય ચેઇનને અસર કરે છે.

ટ્રમ્પની કડક ચેતવણી અને અમેરિકાની વ્યૂહરચના

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેહરાન કોઈ સોદા અથવા સમજૂતી માટે આગળ નહીં આવે તો અમેરિકા વધુ મોટા હુમલા કરવા તૈયાર છે. ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વોશિંગ્ટન હવે માત્ર રક્ષણાત્મક સ્થિતિમાં નથી, પરંતુ તે ઈરાન પર વ્યૂહાત્મક દબાણ વધારવાની નીતિ અપનાવી રહ્યું છે.

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઈરાની દળોએ અમેરિકી ડેસ્ટ્રોયર જહાજો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા, જેના જવાબમાં અમેરિકાએ ઈરાનની અનેક નાની બોટો ડૂબાડી દીધી. આ નિવેદન રાજકીય રીતે પણ મહત્વનું છે કારણ કે અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી “જવાબી પગલું” તરીકે રજૂ કરવા માગે છે, જેથી આંતરરાષ્ટ્રીય સમર્થન જાળવી શકાય.

અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલા નેટવર્ક પર નવા પ્રતિબંધો પણ લગાવ્યા છે. ખાસ કરીને તેલ વેપાર સાથે જોડાયેલા લોકો અને કંપનીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. તેનો હેતુ ઈરાનની આર્થિક નસ પર દબાણ વધારવાનો માનવામાં આવે છે.

આ પણ વાંચો: ઘરમાં ઉંદર હોય તો ચેતી જજો! ફેલાઈ રહ્યો છે Hantavirus નો ખૌફ | શું છે તેના લક્ષણો? જાણો કેવી રીતે ફેલાય છે આ ખતરનાક વાયરસ | Offbeat Stories

હોર્મુઝ સ્ટ્રેટ કેમ એટલું મહત્વપૂર્ણ છે?

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. ખાડી દેશોમાંથી નીકળતું તેલ અને ગેસ મોટા પ્રમાણમાં આ માર્ગથી જ આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચે છે. ઈરાને જ્યારે આ માર્ગ પર નિયંત્રણની ઘોષણા કરી અને દુશ્મન દેશો માટે તે બંધ હોવાનો સંકેત આપ્યો ત્યારથી જ વૈશ્વિક ચિંતાઓ વધી ગઈ હતી.

સંયુક્ત રાષ્ટ્રની દરિયાઈ એજન્સી IMO મુજબ હાલ લગભગ 1500 જહાજો આ વિસ્તારમાં ફસાયેલા છે. તેમાં તેલ ટેન્કરો ઉપરાંત ખાદ્ય સામગ્રી, ઔદ્યોગિક માલ અને ગેસ વહન કરતા જહાજોનો સમાવેશ થાય છે. અંદાજે 20 હજાર જેટલા ક્રૂ મેમ્બર્સ પણ સંકટ વચ્ચે અટવાયેલા છે.

આ પરિસ્થિતિ વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર ચેતવણી સમાન છે. જો હોર્મુઝ લાંબા સમય સુધી અસ્થિર રહેશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે વધારો થઈ શકે છે. ખાસ કરીને ભારત જેવા તેલ આયાત આધારિત દેશો માટે આ સ્થિતિ મુશ્કેલી ઉભી કરી શકે છે.

મધ્ય પૂર્વમાં વિસ્તરતો સંઘર્ષ

આ સંકટ માત્ર અમેરિકા અને ઈરાન પૂરતું મર્યાદિત નથી રહ્યું. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ ફરી ઉગ્ર બન્યો છે. ઈઝરાયલે બેરુતમાં હુમલા કરીને હિઝબુલ્લાહના મહત્વપૂર્ણ કમાન્ડરોને ઠાર માર્યાનો દાવો કર્યો છે, જ્યારે હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. આથી સમગ્ર મધ્ય પૂર્વમાં “મલ્ટી-ફ્રન્ટ કૉન્ફ્લિક્ટ” સર્જાવાનો ભય વધી રહ્યો છે. જો આ સંઘર્ષ વધુ વિસ્તરે તો તેમાં સાઉદી અરેબિયા, UAE અને અન્ય ખાડી દેશો પણ સીધી કે પરોક્ષ રીતે ખેંચાઈ શકે છે. UAE દ્વારા મિસાઈલ અને ડ્રોન ખતરાનું એલર્ટ જાહેર કરવું પણ ચિંતાજનક છે. એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરાઈ હોવાની જાહેરાત દર્શાવે છે કે યુદ્ધનો ભય હવે માત્ર સરહદી વિસ્તારમાં મર્યાદિત રહ્યો નથી.

30 દિવસના અસ્થાયી કરારની ચર્ચા શું દર્શાવે છે?

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે 30 દિવસ માટે લડાઈ રોકવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે ચર્ચા ચાલી રહી છે. આ સૂચવે છે કે બંને દેશો સંપૂર્ણ યુદ્ધના જોખમને સમજે છે અને હાલ માટે સમય મેળવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે વિશ્વાસનો અભાવ વચ્ચે કોઈ પણ અસ્થાયી કરાર કેટલો ટકાઉ રહેશે? અગાઉના યુદ્ધવિરામો પણ થોડા દિવસોમાં તૂટી ચૂક્યા છે. બંને પક્ષો એકબીજા પર શરતો તોડવાના આરોપ લગાવતા રહ્યા છે.

ભારત અને વિશ્વ માટે શું અસર?

ભારત માટે આ સંકટ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે દેશ પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં મધ્ય પૂર્વ પર નિર્ભર છે. જો હોર્મુઝમાં અવરજવર લાંબા સમય સુધી પ્રભાવિત રહેશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. સાથે જ શિપિંગ ખર્ચ વધવાથી આયાતી માલ મોંઘો બનવાનો ખતરો છે. વિશ્વસ્તરે પણ આ સંકટ સપ્લાય ચેઇન પર ભારે દબાણ ઉભું કરી શકે છે. કોરોના પછીથી જ વૈશ્વિક વેપાર તણાવમાં રહ્યો છે અને હવે હોર્મુઝ સંકટથી ફરી એકવાર વેપાર માર્ગો પર અસુરક્ષા વધી રહી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી અથડામણ હવે માત્ર સૈન્ય ટકરાવ નહીં પરંતુ વૈશ્વિક આર્થિક અને ભૂરાજકીય સ્થિરતા માટે મોટો પડકાર બની ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતો તણાવ, અમેરિકી હુમલા, ઈરાનની ચેતવણીઓ અને મધ્ય પૂર્વમાં વિસ્તરતો સંઘર્ષ સૂચવે છે કે આગામી દિવસો અત્યંત નિર્ણાયક રહેશે. જો રાજદ્વારી પ્રયાસો સફળ નહીં થાય તો આ સંકટ વૈશ્વિક ઊર્જા બજાર, વેપાર અને સુરક્ષા માટે લાંબા ગાળાની અસ્થિરતા સર્જી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now