Types Of Transmission And Benefits In Cars : કાર ખરીદતી વખતે એન્જિન અને માઇલેજની સાથે સૌથી મહત્વનો નિર્ણય 'ટ્રાન્સમિશન' એટલે કે ગિયરબોક્સની પસંદગીનો હોય છે. ગિયરબોક્સનું મુખ્ય કામ એન્જિનની પાવરને વ્હીલ્સ સુધી પહોંચાડવાનું છે. આજે બજારમાં અનેક ટેકનોલોજી ઉપલબ્ધ છે, જે તમારા ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને બદલી શકે છે. જાણો ક્યાં ટ્રાન્સમિશનની શું ખાસિયત છે.
મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT) : ડ્રાઇવિંગ પર પૂર્ણ કંટ્રોલ
આ સૌથી પરંપરાગત અને વિશ્વસનીય ગિયરબોક્સ છે. આમાં ડ્રાઇવરે જાતે ક્લચ દબાવીને ગિયર બદલવા પડે છે.
ફાયદા : તે કિંમતમાં સસ્તું છે અને રિપેરિંગ ખર્ચ પણ ઓછો આવે છે. જો તમને ડ્રાઇવિંગનો અસલી રોમાંચ અને ગાડી પર પૂરો કંટ્રોલ રાખવો ગમતો હોય, તો આ શ્રેષ્ઠ છે.
ઓટોમેટિક ટ્રાન્સમિશન (AT) : ટ્રાફિક માટે વરદાન
જેને 'ટોર્ક કન્વર્ટર' પણ કહેવામાં આવે છે. આમાં ક્લચ કે ગિયર બદલવાની કોઈ ઝંઝટ હોતી નથી.
ફાયદા : આરામદાયક મુસાફરી માટે તે બેસ્ટ છે. ખાસ કરીને શહેરના ભારે ટ્રાફિકમાં વારંવાર ગિયર બદલવાના થાકથી બચવા માટે આ ઉત્તમ ઓપ્શન છે.
CVT ટ્રાન્સમિશન : સ્મૂધ અને શાંત સવારી
CVT (Continuously Variable Transmission) માં પરંપરાગત ગિયર્સ હોતા નથી, પરંતુ તે બેલ્ટ અને પુલી પર કામ કરે છે.
ફાયદા : આમાં ગિયર બદલતી વખતે કોઈ આંચકા (jerks) અનુભવાતા નથી. જેમને શાંત ડ્રાઇવિંગ અને સારી માઇલેજ જોઈએ છે, તેમના માટે આ પરફેક્ટ છે.
IMT ટ્રાન્સમિશન : ક્લચ વગરનું મેન્યુઅલ
ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન એક આધુનિક ટેકનોલોજી છે. આમાં ગિયર લીવર હોય છે, પરંતુ ક્લચ પેડલ હોતું નથી.
ફાયદા : તમે મેન્યુઅલી ગિયર બદલી શકો છો પણ ક્લચ દબાવવાની મહેનત રહેતી નથી. કંટ્રોલ અને કમ્ફર્ટનું આ કોમ્બિનેશન છે.
AMT ટ્રાન્સમિશન : બજેટમાં ઓટોમેટિક
AMT (Automated Manual Transmission) એ ખરેખર મેન્યુઅલ ગિયરબોક્સ જ છે, જેને સેન્સર દ્વારા ઓટોમેટિક બનાવવામાં આવ્યું છે.
ફાયદા : જે લોકો ઓછા બજેટમાં ઓટોમેટિક કારની સુવિધા અને સારી માઇલેજ ઈચ્છે છે, તેમના માટે આ સૌથી લોકપ્રિય પસંદગી છે.
DCT ટ્રાન્સમિશન : હાઇ-સ્પીડ અને પર્ફોર્મન્સ
ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન સૌથી એડવાન્સ ગિયરબોક્સ છે. તેમાં બે ક્લચ હોવાને કારણે ગિયર શિફ્ટિંગ સેકન્ડના પણ ઓછા ભાગમાં થઈ જાય છે.
ફાયદા : જો તમને સ્પીડ, પાવર અને સ્પોર્ટી ફીલ ગમતી હોય, તો DCT જેવું બીજું કોઈ ટ્રાન્સમિશન નથી.
તમારા માટે કયું ગિયરબોક્સ યોગ્ય છે?
યોગ્ય ટ્રાન્સમિશનની પસંદગી તમારા બજેટ અને જરૂરિયાત પર આધારિત છે:
ઓછું બજેટ : મેન્યુઅલ (MT) અથવા AMT પસંદ કરો.
શહેરી ટ્રાફિક અને આરામ : ઓટોમેટિક (AT) અથવા CVT બેસ્ટ રહેશે.
પાવર અને સ્પીડ : ફક્ત DCT (Dual Clutch Transmission) તરફ જાઓ.
યુનિક અનુભવ : ક્લચની માથાકૂટ વગર ગિયર શિફ્ટિંગ માટે IMT ટ્રાય કરો.




















