Home Automobile Hyundai New Cng Suv Based On Bayon To Rival Grand Vitara And Tata Sierra

CRETA પછી વધુ એક મોટા ધમાકાની તૈયારીમાં Hyundai : CNG અવતારમાં આવી રહી છે નવી SUV, Grand Vitara સહિત અનેક કારને આપશે ટક્કર

Hyundai New SUV
Image Credit: hyundai.com
Published by: Nirali Gohil
Last Updated: Jun 10, 2026, 10:15 AM IST

Hyundai New SUV: ભારતીય SUV બજારમાં સ્પર્ધા સતત વધી રહી છે અને દરેક ઓટોમોબાઈલ કંપની નવા મોડલ્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે Hyundai પણ પોતાની માર્કેટ પોઝિશન મજબૂત બનાવવા માટે મોટો દાવ રમવાની તૈયારીમાં છે. Creta અને Venue જેવી લોકપ્રિય SUV બાદ હવે કંપની એક નવી મિડ-સાઈઝ SUV લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે પેટ્રોલ ઉપરાંત CNG વિકલ્પમાં પણ ઉપલબ્ધ થઈ શકે છે.

એક સમય હતો જ્યારે Hyundai ભારતીય બજારમાં બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની હતી, પરંતુ વધતી સ્પર્ધાના કારણે હવે કંપની ચોથા ક્રમે પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં Hyundai નવા પ્રોડક્ટ્સ દ્વારા ફરીથી ગ્રાહકોનું ધ્યાન ખેંચવા માંગે છે. તાજેતરમાં કંપનીની એક નવી SUV ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે, જેના કારણે ઓટો સેક્ટરમાં ચર્ચા તેજ બની છે.

Hyundai Bayon પર આધારિત હશે નવી SUV

મીડિયા રિપોર્ટ્સ અનુસાર Hyundai જે નવી SUV પર કામ કરી રહી છે તેનું કોડનેમ BC4i હોવાનું કહેવાય છે. આ મોડલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ Hyundai Bayon પરથી પ્રેરિત હશે, પરંતુ ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમાં અનેક ફેરફારો કરવામાં આવશે. ખાસ કરીને SUVનું કદ વધુ મોટું રાખવામાં આવશે અને તેને ભારતીય બજારમાં અલગ પોઝિશનિંગ સાથે રજૂ કરવામાં આવશે. શરૂઆતમાં એવી અટકળો હતી કે આ SUV Maruti Fronxના સેગમેન્ટમાં આવશે, પરંતુ હવે સામે આવેલી માહિતી મુજબ તે મિડ-સાઈઝ SUV કેટેગરીમાં સ્થાન મેળવશે.

લોન્ચિંગ ક્યારે થઈ શકે?

અહેવાલો મુજબ Hyundai આ નવી SUVને જુલાઈથી સપ્ટેમ્બર 2026 વચ્ચે ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. કંપની તેને Venue અને Creta વચ્ચેની ખાલી જગ્યા ભરવા માટે રજૂ કરી શકે છે. આ SUV Hyundaiના પોર્ટફોલિયોમાં Creta સાથે વેચવામાં આવશે અને ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે.

આ પણ વાંચો: May 2026 માં ધૂમ મચાવતી Top 10 Mid-Size SUV: Scorpio-Creta નો દબદબો

ડિઝાઇનમાં મળશે પ્રીમિયમ લુક

ટેસ્ટિંગ દરમિયાન સામે આવેલી તસવીરો પરથી SUVની ડિઝાઇન અંગે કેટલીક વિગતો સામે આવી છે. કારના આગળના ભાગમાં Venue જેવી સ્પ્લિટ હેડલાઇટ ડિઝાઇન જોવા મળી શકે છે. ટોચના ભાગમાં સ્લિમ LED DRL (Daytime Running Lamps) આપવામાં આવશે, જ્યારે બમ્પરના નીચેના ભાગમાં મોટા એર વેન્ટ્સ અને આધુનિક સ્ટાઇલિંગ એલિમેન્ટ્સ જોવા મળી શકે છે. સાથે જ કારમાં પાર્કિંગ સેન્સર અને ADAS માટેના રડાર સેન્સર પણ જોવા મળ્યા છે, જે સૂચવે છે કે Hyundai આ SUVમાં અદ્યતન સેફ્ટી ફીચર્સ આપી શકે છે.

પાછળના ભાગમાં પણ મળશે નવી સ્ટાઇલ

SUVના રિયર સેક્શનમાં પણ સ્પ્લિટ LED ટેલલાઇટ્સ આપવામાં આવી શકે છે. પાછળના બમ્પરમાં બ્રેક લાઇટ્સ અને ઉપરના ભાગમાં LED ટર્ન ઈન્ડિકેટર્સ જોવા મળી શકે છે. આ ડિઝાઇન SUVને વધુ સ્પોર્ટી અને પ્રીમિયમ લુક આપશે, જે યુવા ગ્રાહકોને આકર્ષી શકે છે.

આ પણ વાંચો: Tata Tiago Facelift: સ્વિફ્ટમાં નથી તેવા 5 ધાંસુ ફીચર્સ ટાટાએ આપ્યા

CNG વિકલ્પ બની શકે સૌથી મોટું આકર્ષણ

નવી Hyundai SUVનું સૌથી મોટું હાઇલાઇટ તેનું CNG વર્ઝન હોઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર કંપની આ SUVને ડ્યુઅલ-સિલિન્ડર CNG ટેક્નોલોજી સાથે રજૂ કરી શકે છે. જો આવું થાય તો Hyundai માટે આ એક ઐતિહાસિક પગલું ગણાશે, કારણ કે 4 મીટરથી મોટી SUVમાં કંપની પહેલી વખત CNG વિકલ્પ આપશે. ભારતમાં વધતા ઇંધણ ખર્ચ વચ્ચે CNG વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. તેથી Hyundai આ સેગમેન્ટમાં ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

કોની સાથે થશે સીધી ટક્કર?

નવી Hyundai SUVની કિંમત Venue કરતાં વધુ અને Creta કરતાં ઓછી રાખવામાં આવી શકે છે. બજારમાં તેનું સીધું મુકાબલો Maruti Suzuki Grand Vitara, Toyota Hyryder, Skoda Kushaq, Volkswagen Taigun, Tata Sierra અને નવી Renault Duster જેવી SUV સાથે થશે. મિડ-સાઈઝ SUV સેગમેન્ટ હાલમાં ભારતીય બજારમાં સૌથી ઝડપથી વિકસતો સેગમેન્ટ છે, તેથી Hyundai માટે આ મોડલ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: આ માણસ પાસે છે 800 કરોડ રૂપિયાની કાર!: તેની ડિઝાઇન જોવા માટે ઉમટી પડે છે ભીડ

Hyundai માટે કેમ મહત્વપૂર્ણ છે આ SUV?

ભારતમાં SUVની વધતી માંગ વચ્ચે Hyundai ફરીથી પોતાની માર્કેટ શેર વધારવા માંગે છે. Creta હજુ પણ કંપનીની સૌથી સફળ SUV છે, પરંતુ નવા સ્પર્ધકોને કારણે કંપની પર દબાણ વધ્યું છે. નવી મિડ-સાઈઝ SUV અને ખાસ કરીને CNG વિકલ્પ Hyundaiને એવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરી શકે છે, જેઓ સ્ટાઇલ, ફીચર્સ અને ઇંધણ બચત – ત્રણેય બાબતોને મહત્વ આપે છે. તેથી આગામી લોન્ચિંગ ભારતીય SUV બજારમાં મોટી હલચલ મચાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now