Ahmedabad News: રાજ્યમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી નાયબ શ્રમ આયુક્ત, અમદાવાદ દ્વારા એક મહત્વની અખબારી યાદી બહાર પાડવામાં આવી છે.
ચૂંટણીની વિગત
રાજ્યની ૧૫ મહાનગર પાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીનું મતદાન. ૨૬/૦૪/૨૦૨૬ (રવિવાર) ના રોજ સવારે ૭:૦૦7 થી સાંજે6 વાગ્યા સુધી યોજાનાર છે.
શ્રમયોગીઓ માટે ખાસ જોગવાઈઓ
ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ એક્ટ-૨૦૧૯ હેઠળ આવતી તમામ સંસ્થાઓ અને દુકાનો માટે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. જે કર્મચારીઓની સાપ્તાહિક રજા રવિવારે ન હોય, તેઓને મતદાન માટે વારાફરતી ૩ કલાકની ખાસ રજા આપવાની રહેશે. સંસ્થાઓ ઈચ્છે તો રવિવારે કામકાજ ચાલુ રાખીને, તેના બદલામાં (અવેજીમાં) મતદાનના દિવસે કર્મચારીને રજા આપી શકે છે. આ નિયમ માત્ર કાયમી કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ રોજમદાર (Daily Wagers) અને કેજ્યુઅલ કામદારો માટે પણ સમાન રીતે લાગુ પડશે.
કયા કિસ્સામાં છૂટછાટ મળશે?
અખબારી યાદીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ કર્મચારીની ગેરહાજરીથી સંસ્થામાં ભયજનક પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા હોય, અથવા વ્યાપક આર્થિક કે ભૌતિક નુકસાન થવાની સંભાવના હોય, તો તેવા કિસ્સામાં આ જોગવાઈ લાગુ પડશે નહીં. લોકશાહીના આ પર્વમાં દરેક શ્રમયોગી પોતાનો કિંમતી મત આપી શકે તે માટે રોજગારદાતાઓએ પૂરતી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.





