Home Gujarat Vishal Who Defamed Former Agriculture Minister And Builders In Social Media Arrested

પૂર્વ કૃષિમંત્રી અને બિલ્ડરોને સો. મીડિયામાં બદનામ કરનાર વિશાલ ઝડપાયો : નેપાળમાં બેસીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો અપમાનજનક પોસ્ટો

પૂર્વ કૃષિમંત્રી અને બિલ્ડરોને સો. મીડિયામાં બદનામ કરનાર વિશાલ ઝડપાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 06:42 AM IST

જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીતા રાજકીય નેતા અને અગ્રણી બિલ્ડરોને બદનામ કરનાર મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા આખરે જામનગર સાયબર પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ પર લીધો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી નેપાળમાં બેસીને સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટો અપલોડ કરતો હતો.

આ કેસમાં રાઘવજી પટેલ, જે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી છે, તેમને સોશિયલ મીડિયા મારફતે બદનામ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જામનગરના અગ્રણી બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્ર સામે પણ ખોટી અને બદનામીભરી પોસ્ટો કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આ સમગ્ર કાવતરું વિશાલ કણસાગરા દ્વારા રચાયું હતું, જે પકડાયેલા આરોપી હેમતલાલ કણસાગરાનો પુત્ર છે. વિશાલે અલગ-અલગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ID બનાવીને બિલ્ડરો અને રાજકીય વ્યક્તિઓને બદનામ કરી ખંડણી માંગવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બિલ્ડર સ્મિત પરમાર સહિત અનેક લોકોએ જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં અગાઉ હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા ફરાર હતો અને નેપાળમાંથી પોસ્ટ અપલોડ કરતો હોવાનું સામે આવ્યું હતું. ભારત પરત ફર્યા બાદ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેનું લોકેશન ટ્રેસ કરી તેને ઝડપી લીધો.

પોલીસે આરોપીના મોબાઈલ અને ડિજિટલ ઉપકરણો કબજે કરી તમામ ડિલીટ કરાયેલ ડેટા રિકવર કરી લીધો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે વિશાલ કણસાગરા સામે અગાઉ પણ સાયબર ફ્રોડના 11 ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસ આ પ્રકરણમાં અન્ય કોઈ સંડોવાયેલા લોકો છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now