Home Sports Virat Kohli Decides To Play Vijay Hazare Trophy For Delhi Before New Zealand Series

વિરાટ કોહલીનો મોટો નિર્ણય : વિજય હજારે ટ્રોફી રમતા જોવા મળશે કિંગ કોહલી

વિરાટ કોહલીનો મોટો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 05:17 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન ગણાતા વિરાટ કોહલીએ પોતાના ચાહકોને એક મોટી ખુશખબર આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અઢળક રેકોર્ડ બનાવ્યા બાદ પણ વિરાટ કોહલીએ જમીન સાથે જોડાયેલા રહીને ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવાનું નક્કી કર્યું છે. આગામી સમયમાં શરૂ થનારી વિજય હઝારે ટ્રોફીમાં વિરાટ કોહલી પોતાની હોમ ટીમ દિલ્હી વતી રમતા જોવા મળશે. આ અંગે તેણે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એટલે કે ડીડીસીએને ફોન કરીને જાણ પણ કરી દીધી છે. વિરાટના આ નિર્ણયથી દિલ્હીના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હાલમાં વિરાટ કોહલી ભારતીય ટીમ સાથે રાયપુર ખાતે છે જ્યાં બુધવારે સાઉથ આફ્રિકા સામે બીજી વનડે મેચ રમાવાની છે. રાંચીમાં રમાયેલી પહેલી મેચમાં વિરાટે ધમાકેદાર પ્રદર્શન કરતા 120 બોલમાં 135 રન ફટકારીને પોતાની ફિટનેસ સાબિત કરી દીધી હતી. હવે તે ઘરેલુ ટૂર્નામેન્ટમાં પણ પોતાનો જલવો બતાવવા તૈયાર છે. જાણીતા સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે કે વિરાટે ફોન કરીને ડીડીસીએના અધિકારીઓને પોતાની ઉપલબ્ધતા વિશે જણાવ્યું છે. આ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ઘરેલુ ક્રિકેટ રમે તેવી માંગ ઉઠી હતી કારણ કે બંને દિગ્ગજોએ હવે ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

ક્રિકેટના જાણકારોનું માનવું છે કે જો આ બંને સ્ટાર ખેલાડીઓએ 2027ના વનડે વર્લ્ડ કપમાં રમવું હોય તો તેમણે સતત મેચ પ્રેક્ટિસમાં રહેવું પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે હવે વનડે મેચોની સંખ્યા ઓછી હોવાથી ફિટનેસ અને ફોર્મ જાળવી રાખવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું અનિવાર્ય બની ગયું હતું. વિરાટના આ નિર્ણયથી સાબિત થાય છે કે તે આગામી વર્લ્ડ કપ માટે કેટલો ગંભીર છે અને પોતાની તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતો નથી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ તેણે રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વિજય હઝારે ટ્રોફીનો પ્રારંભ આગામી 24 ડિસેમ્બરથી થવા જઈ રહ્યો છે. દિલ્હીની ટીમ પોતાની પહેલી મેચ આંધ્ર પ્રદેશ સામે રમશે. 11 જાન્યુઆરીથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ શરૂ થવાની છે. ત્યાં સુધીના સમયગાળામાં દિલ્હીની જેટલી પણ મેચો હશે તેમાં વિરાટ કોહલી રમશે અને ન્યુઝીલેન્ડ સામેની મહત્વની સિરીઝ માટે પોતાની લય મેળવશે. વિરાટનું આ પગલું યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now