Home Sports Virat Kohli Creates History With Century Completes 16000 Runs In List A Cricket

વિરાટ કોહલીએ શતક સાથે રચ્યો ઇતિહાસ, લિસ્ટ એ ક્રિકેટમાં 16,000 રન પૂરા : રોહિત શર્માએ તોફાની 155 રનથી લૂંટી મહેફિલ

વિરાટ કોહલીએ શતક સાથે રચ્યો ઇતિહાસ, લિસ્ટ એ ક્રિકેટમાં 16,000 રન પૂરા
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 11:02 AM IST

Ro-Ko perforemance in Vijay Hazare Trophy: વિજય હજારે ટ્રોફી 2025-26ના પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્માએ પોતાના બેટથી તહેલકો મચાવી દીધો. વિરાટે દિલ્હી માટે આંધ્ર પ્રદેશ સામે શતક ફટકારીને લિસ્ટ એ ક્રિકેટમાં 16,000 રનનો આંકડો પાર કર્યો, જ્યારે રોહિતે મુંબઈ માટે સિક્કિમ સામે તોફાની 155 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી. વિજય હજારે ટ્રોફીની શરૂઆત આજથી થઈ, અને આ ડોમેસ્ટિક વનડે ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સુપરસ્ટાર્સની વાપસીએ ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો. વિરાટે 15 વર્ષ પછી દિલ્હી માટે વિજય હજારેમાં પ્રવેશ કર્યો, તો રોહિતે 7 વર્ષ પછી મુંબઈ માટે મેદાને પગ મૂક્યો.

વિરાટ કોહલીનો ઐતિહાસિક શતક અને માઇલસ્ટોન

બેંગલુરુમાં આંધ્ર પ્રદેશ સામેની મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી. આંધ્રએ રિકી ભુઈના શતક (122 રન)ની મદદથી 298/8નો સ્કોર બનાવ્યો. જવાબમાં દિલ્હીની ઇનિંગની શરૂઆતમાં જ વિકેટ પડી, પરંતુ વિરાટ કોહલીએ ત્રીજા નંબરે આવીને મોર્ચો સંભાળ્યો. મેચની પહેલી જ રન લેતાં વિરાટે લિસ્ટ એ ક્રિકેટમાં 16,000 રન પૂરા કરી દીધા. આ સાથે તે સચિન તેંડુલકર પછી આ આંકડો પાર કરનારા બીજા ભારતીય અને વિશ્વના નવમા બેટ્સમેન બન્યા. વિશ્વમાં ગ્રેહામ ગૂચના નામે સૌથી વધુ 22,000થી વધુ રન છે. વિરાટે આ માઇલસ્ટોન માત્ર 343 મેચમાં પૂરો કર્યો, જેમાં તેની એવરેજ 57થી વધુ છે – આ રીતે તે 16,000 રન કરનારા ખેલાડીઓમાં સૌથી ઊંચી એવરેજ ધરાવે છે. વિરાટે આ મેચમાં 83 બોલમાં શતક ફટકાર્યું અને દિલ્હીને મજબૂત સ્થિતિમાં મૂકી. તેણે પ્રિયાંશ આર્ય (74) સાથે મહત્વની ભાગીદારી કરી અને ચેઝને નિયંત્રણમાં રાખ્યો. વિરાટની આ પરી સાથે દિલ્હીએ મેચમાં મજબૂત દાવો ઠોક્યો.

રોહિત શર્માનું તાવડતોડ પર્ફોર્મન્સ

જયપુરમાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈ વિરુદ્ધ સિક્કિમની મેચમાં રોહિત શર્માએ તોફાન મચાવ્યું. સિક્કિમે પ્રથમ બેટિંગ કરીને 236/7નો સ્કોર બનાવ્યો. જવાબમાં રોહિતે ઓપનિંગ કરતાં માત્ર 62 બોલમાં શતક ફટકાર્યું – આ તેની લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી છે. રોહિતે 94 બોલમાં 155 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 18 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા. તેણે અંગકૃષ રઘુવંશી સાથે પ્રથમ વિકેટ માટે 141 રનની ભાગીદારી કરી. રોહિતના આ તોફાની પ્રદર્શનથી મુંબઈએ મેચ માત્ર 30.3 ઓવરમાં 8 વિકેટથી જીતી લીધી. સ્ટેડિયમમાં રોહિતને જોવા હજારો ચાહકો ઉમટ્યા હતા અને તેમના ચીયર્સથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ બંને દિગ્ગજોના પ્રદર્શનથી વિજય હજારે ટ્રોફીને નવી ચમક મળી છે. વિરાટ અને રોહિતની વાપસીએ ડોમેસ્ટિક ક્રિકેટને વધુ આકર્ષક બનાવી છે, અને આગામી મેચોમાં પણ તેમની તરફથી આવા જ પ્રદર્શનની અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now