ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન અને વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પણ સત્તાવાર નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી છે કે ન્યૂઝીલેન્ડ સામેની ચાલુ ત્રીજી ટેસ્ટ મેચ સ્ટોક્સની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ રહેશે.
ઇંગ્લેન્ડ ક્રિકેટે ભાવુક સંદેશ સાથે કરી જાહેરાત
ઇંગ્લેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા પર બેન સ્ટોક્સને શ્રદ્ધાંજલિ સમાન સંદેશ આપતાં તેમને દેશના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક ગણાવ્યા હતા. બોર્ડે જણાવ્યું કે સ્ટોક્સે ટીમને માત્ર જીત જ અપાવી નથી પરંતુ પોતાની આગેવાની, જુસ્સા અને લડાયક વલણથી આખી પેઢીને પ્રેરણા આપી છે. બોર્ડના જણાવ્યા મુજબ તેમની વિદાય બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ પહેલા જેવું નહીં રહે.
ત્રીજી ટેસ્ટ બાદ પૂર્ણ થશે 15 વર્ષની આંતરરાષ્ટ્રીય સફર
35 વર્ષીય બેન સ્ટોક્સે પોતાની ટીમના ખેલાડીઓને અગાઉથી નિર્ણયની જાણ કરી હતી અને ત્યારબાદ ચોથા દિવસની રમત દરમિયાન સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે તેમની અંદાજે 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવશે. સ્ટોક્સ અગાઉ વન-ડે અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.
બેન સ્ટોક્સની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી
બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડ માટે 122 ટેસ્ટ મેચમાં 14 સદીની મદદથી 7,243 રન બનાવ્યા છે અને સાથે 252 વિકેટ પણ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેઓ વિશ્વના સૌથી અસરકારક ઓલરાઉન્ડરોમાં ગણાય છે.
વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 114 મેચમાં 3,619 રન અને 74 વિકેટ પોતાના નામે કરી હતી, જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 43 મેચમાં 585 રન અને 26 વિકેટ નોંધાવી હતી. 2019ના વન-ડે વર્લ્ડ કપ અને 2022ના ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના વિજયમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.





