Ahmedabad News: અમદાવાદ જિલ્લાના વિરમગામ ટાઉનમાંથી એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. વિરમગામ ટાઉનમાં નજીવી બાબતોના પારિવારિક ઝઘડામાં પત્ની અને પુત્રએ જ ભેગા મળીને ઘરના મોભી (પિતા)ની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
હોસ્પિટલની વરદીથી ખૂલ્યો હત્યાનો ભેદ
ઘટનાની વિગત એવી છે કે, ગત ૬ જૂનના રોજ વિરમગામની ગાંધી હોસ્પિટલ તરફથી સ્થાનિક પોલીસને એક આધેડના મોતના સંદર્ભમાં વરદી (જાણ) મળી હતી. પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરતા મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ આ સામાન્ય મોત ન હોવાનું અને માથામાં કોઈ હથિયાર કે વસ્તુ મારીને ઈજા પહોંચાડવામાં આવી હોવાની શંકા જતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
‘તોડજોડની રાજનીતિ અમે કરતા નથી’ : રાજ્યસભા ચૂંટણી મુદ્દે મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહાર
સોની વેપારીની હત્યા પાછળ પત્ની અને પુત્ર જ નીકળ્યા હત્યારા
પોલીસની આકરી પૂછપરછ અને તપાસમાં જે સત્ય બહાર આવ્યું તેનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતક દિપકકુમાર, જેઓ વિરમગામમાં સોનીની દુકાન ધરાવતા હતા, તેમની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેમના જ સગા પત્ની દિવ્યાની અને પુત્ર ઉદયકુમારે મળીને કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા પાછળનું કારણ: સગાઈ અને ઘરકંકાસ
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક દિપકકુમાર અને તેમના પુત્ર ઉદય વચ્ચે ઘણા સમયથી અંદરોઅંદર બોલાચાલી અને ઝઘડા થતા હતા. પુત્ર ઉદયની સગાઈ બાબતે પરિવારમાં લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. ઘટનાના દિવસે પુત્ર ઉદય પોતાની સોનીની દુકાને સમયસર પહોંચ્યો ન હતો, જેથી પિતા દિપકકુમારે તેને ટોક્યો હતો. આ બાબતે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ગુસ્સામાં આવીને પત્ની દિવ્યાની અને પુત્ર ઉદયકુમારે દિપકકુમાર પર હુમલો કરી દીધો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનું મોત નિપજાવ્યું હતું.
પોલીસ કાર્યવાહી
હાલ વિરમગામ ટાઉન પોલીસે માતા-પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. એક સામાન્ય ઘરકંકાસમાં પરિવારે ઘરના મોભી ગુમાવ્યા અને માતા-પુત્ર જેલના સળિયા પાછળ ધકેલાઈ જતા આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે.





