વિરમગામ: અમદાવાદ-વિરમગામ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ અને માર્ગને પહોળો કરવાના ઉદ્દેશ્ય સાથે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારે એક મોટું અને અભૂતપૂર્વ મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યવાહી દરમિયાન વર્ષોથી રોડની લાઈનમાં નડતરરૂપ બનેલા ધાર્મિક બાંધકામો અને દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. તંત્રની આ આક્રમક કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં આ નિર્ણયને લઈને સંતોષ જોવા મળ્યો છે.
આ કાર્યવાહીમાં તંત્રએ રૈયાપુર વિસ્તારથી લઈને તિરંગા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર બાંધકામોને નિશાન બનાવ્યા હતા. વહેલી સવારથી જ પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી આ કામગીરીમાં હજારો સ્ક્વેર ફૂટ સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે, જે હવે માર્ગ પહોળો કરવા માટે ઉપયોગમાં લેવાશે.
ધાર્મિક સ્થળો સહિત 10થી વધુ દબાણો દૂર કરાયા
વિરમગામના ઐતિહાસિક ગંગાસર તળાવ વિસ્તાર તેમજ અમદાવાદ-વિરમગામ હાઈવે પર વર્ષોથી જામી ગયેલા દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ મેગા ઓપરેશનમાં 3 ધાર્મિક બાંધકામો અને 7 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે. તંત્ર દ્વારા અંદાજે 3,500 સ્ક્વેર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી છે. લાંબા સમયથી આ દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને તંત્રએ આ આકરો નિર્ણય લીધો છે.
500થી વધુ પોલીસ જવાનોનો કડક સુરક્ષા બંદોબસ્ત
કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્રએ પૂરતી સાવચેતી રાખી હતી. વહેલી સવારથી જ ઘટનાસ્થળે 500થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારને જાણે એક કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો હોય તેમ પોલીસના કડક પહેરા હેઠળ આ ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
યુદ્ધના ધોરણે રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ
ડિમોલેશનમાં 4થી વધુ જેસીબી મશીનો, હિટાચી અને કોર્પોરેશનના અન્ય વાહનોનો કાફલો સતત કાર્યરત રહ્યો હતો. ધાર્મિક અને અન્ય નડતરરૂપ દબાણો દૂર થયા બાદ, તંત્રએ તાત્કાલિક અસરથી રોડ રિકાર્પેટિંગ અને રસ્તો પહોળો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. દબાણ હટાવ્યા બાદ તુરંત જ રસ્તાની સફાઈ અને માર્ગ નિર્માણની પ્રક્રિયા શરૂ થતાં હવે વાહનચાલકો માટે મુસાફરી વધુ સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





