Home Gujarat Violent Clashes Have Been Reported In Vadodara City For Some Time Now After Minor Accident

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી : મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 01:16 PM IST

Vadodara News: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય અકસ્માત પછી હિંસક મારામારીની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે. ત્યારે શહેરના ગોરવા મધુનગરથી છાણી બ્રિજ તરફ જતાં રોડ પર બે બાઇક સવાર વચ્ચે થયેલા અકસ્માત બાદ બંને પક્ષ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. ઘટનામાં સ્થાનિક લોકો વચ્ચે પડવાના બદલે યુવકોને જ ઢોર માર મારતા દેખાયા હતા. સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા ઉઠી છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે મધુનગર વિસ્તારમાં બે બાઇક વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બંને સવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને થોડા સમયમાં જ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો. દરમિયાન આસપાસ ભેગા થયેલા કેટલાક લોકોએ યુવકોને છોડાવવાના બદલે બંનેને જ માર મારવાનું શરૂ કરી દીધું હતું. જાહેર રોડ પર થયેલી આ મારામારીમાં બંને યુવકોને ગંભીર રીતે માર પડ્યો હોવાની માહિતી સામે આવી છે.

બીજી તરફ માંજલપુર વિસ્તારમાં ભવન્સ સ્કૂલ નજીક કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટની ઘટના સામે આવી હતી. જણાવ્યા મુજબ, વાહન વ્યવહાર દરમિયાન થયેલા વિવાદને પગલે બંને વચ્ચે તણાવ વધ્યો હતો અને જાહેર રસ્તા પર જ મારામારી શરૂ થઈ ગઈ હતી. ઘટનાના સમયે એક મહિલા બચાવ માટે વચ્ચે પડતા છતાં માથાભારે તત્વો દ્વારા મારામારી ચાલુ રાખવામાં આવી હતી. મારામારી દરમિયાન કાર ચાલકના કપડા પણ ફાટી ગયા હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે.

આ ઉપરાંત આજવા રોડ પર સરદાર સ્ટેટ નજીક મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, એક કાર ચાલક દ્વારા ફુલ સ્પીડમાં ગાડી ચલાવવામાં આવી રહી હતી, જેના કારણે ગાડી પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. ઘટનાના સમયે કારમાં યુવતીઓ પણ હાજર હોવાનું જણાવાય છે. આસપાસના લોકોને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં સામાન્ય અકસ્માત પછી ઉગ્ર મારામારીની ઘટનાઓ સામે આવતા લોકોમાં પણ ચિંતા વ્યાપી છે અને જાહેર રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now